Site icon Revoi.in

ગુજરાતમાં 11.78 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર, કપાસના વાવેતરમાં વધારો

Social Share

ગાંધીનગર: ગુજરાતમાં મોટેભાગે ખેડુતો ભીમ અગિયારસથી વાવણી માટેની આગોતરી તૈયારી કરી લેતા હોય છે. અને અષાઢી મેઘાના આગમન સાથે વાવણીના શ્રીગણેશ કરતા હોય છે. આ વખતે બિપરજોય વાવાઝોડાને લીધે મેઘાનું વહેલું આગમન થતાં એટલે કે, વાવાણી લાયક વરસાદ વરસી જતાં અષાઢના પ્રારંભ પહેલા જ મોટાભાગના ખેડુતોએ ખરીફ પાકની વાવાણીના કાર્યનો પ્રારંભ કર્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં 11.78 હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જેમાં સૌથી વધુ કપાસનું વાવેતર થયું છે. જ્યારે ગત વર્ષ કરતા મગફળીનું વાવેતર ઓછું થયુ છે. જો કે હજુ પણ વાવાણી કાર્ય ચાલુ છે. જોકે  ડાંગર, બાજરી, મકાઈ તથા ધાન્ય પાકોમા વાવેતરમાં ઘટાડો થાય એવી શક્યતા છે.

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડા બાદ પડેલા વરસાદ ખેડુતો માટે ફાયદાકારક નિવડ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડી જતાં ખેડુતોએ ખરીફ પાકના વાવેતરનો પ્રારંભ કર્યો હતો. ખરીફ પાકનું 12 જૂન સુધીમાં જે કુલ વાવેતર થયું છે તે 2,62,300 હેકટર થયું હતુ અને તેમાં કપાસ અને મગફળીનો સિંહ ફાળો છે. કપાસનું વાવેતર 1,73,800 હેકટરમાં અને મગફળીનું વાવેતર 65,100 હેકટરમાં થયું હતુ. આ બન્ને પાકનું કુલ વાવેતર 2,38,900 હેકટર થાય છે જે રાજ્યના ખરીફ પાકના કુલ વાવેતરના 91.08 ટકા થાય છે. ત્યારબાદ છેલ્લા 10-12 દિવસમાં વાવેતરમાં વધારો થયો હતો. અને વાવેતર 11 લાખ હેકટરે પહોંચ્યું હતું.

કૃષિ વિભાગના સૂત્રોના કહેવા મુજબ ગાંધીનગર જિલ્લામાં ખરીફ પાકની છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ 1.30 લાખ હેક્ટર વિસ્તારની છે. દરમિયાન આગોતરા વરસાદના કારણે જમીનમાં ભેજનું પ્રમાણ વધતાં પાકને ફાયદાકારક રહેવાની ગણતરીએ ખેડૂતો દ્વારા વાવેતરનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે અને કપાસના પાકની 10,60 હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવાણી કરવા સાથે ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશની સામે 16 ટકા વિસ્તારમાં વિવિધ પાકનું વાવેતર પૂર્ણ કરી દીધુ છે.