મુંબઈના મલાડમાં મકાન ધરાશાયીઃ 11ના મોતની આશંકા
- 8થી વધારે લોકો થયા ઈજાગ્રસ્ત
- ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં
- ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા
- આસપાસના મકાનોને થઈ ભારે અસર
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થયું છે અને અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યાં અહેવાલ છે. દરમિયાન મુંબઈના મલાડ પશ્ચિમ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું હતું. આ મકાનમાં ઓછામાં ઓછા 11 વ્યક્તિઓના મોત થયાની આશંકા છે. તેમજ મકાનના કાટમાળ નીચે અનેક લોકો દબાયેલા હોવાની શકયતાને આધારે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યાનુસાર, મોડી રાત્રે મુંબઇના મલાડ પશ્ચિમમાં નવા કલેક્ટર પરિસરમાં રહેણાંક મકાન ધરાશાયી થતાં ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા હતા અને આઠ અન્ય ઘાયલ થયા હતા. આ ઘટનાને કારણે આજુબાજુની ઈમારતોને પણ અસર પહોચી છે. આવી ભયજનક ઇમારતમાં રહેતા લોકોને સ્થળાંતર કરાવવામાં આવી રહ્યા છે.
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો વહીવટી સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. તેમજ કાટમાળ હટાવીને નીચે ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને બીડીબીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મુંબઈના ડેપ્યુટી કમિશનર પોલીસ (ડીસીપી) ઝોન 11 વિશાલ ઠાકુરે જણાવ્યું હતું કે મહિલાઓ અને બાળકો સહિત 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાટમાળની નીચે વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. બચાવ અને રાહત ટીમ કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે કામ કરી રહી છે.