બીએજેએમસીની પરીક્ષામાં ગુજરાત યુનિવર્સિટીના ટોપર્સમાં એનઆઈએમસીજેના ૧૧ વિદ્યાર્થીઓ
અમદાવાદ: તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર થયેલા બેચલર ઓફ આર્ટ્સ (જર્નલીઝમ એન્ડ માસ કમ્યુનિકેશન) બી.એ.જે.એમ.સી. ના અંતિમ વર્ષના પરિણામમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનીકેશન ઍન્ડ જર્નલીઝમ (એનઆઇએમસીજે)ના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી છે.યુનિવર્સિટીના પરિણામમાં ટોપર્સમાં સંસ્થાના ૧૧ વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.
યુનિવર્સિટી દ્વારા જાહેર થયેલા પરિણામમાં તમામ છ સેમેસ્ટરના ગુણ પ્રમાણે નીચે મુજબના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ટોપર્સમાં સ્થાન પામ્યા છે. રિદ્ધિ મુકાદમ,આરાધના પાંડે,ગૌરીશા કૌશિક, ધ્રુવી સોની,અમર વાધવા,રશ્મિ બરડીયા, દ્વિતી દવે,યશ સોની,કૃપા ગઢવી,હર્ષ કેવલાની અને ફાલ્ગુની લાહોરી.
પરીક્ષામાં સફળ થયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપતા સંસ્થાના નિયામક પ્રો (ડો) શિરીષ કાશીકરે જણાવ્યું હતું કે ગત ૧૭ વર્ષથી પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ સફળતાપૂર્વક ચલાવ્યા બાદ અમારી અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામની આ ત્રીજી સફળ બેચ છે. વિદ્યાર્થીઓને મળેલી આ સફળતાનું શ્રેય તેમની મહેનત અને અમારા પ્રાધ્યાપકો,સ્ટાફગણ અને ફિલ્ડ એક્સપર્ટસના માર્ગદર્શનને જાય છે. સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને અત્યાધુનિક કમ્પ્યુટર લેબ,સ્ટુડિયો સહિતની સુવિધાઓ સાથે ફિલ્ડ આધારિત પ્રોજેક્ટ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેમજ વિદ્યાર્થીઓ અંતિમ વર્ષમાં કોલેજ સમય પછી ફિલ્ડમાં તાલીમ લે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેના પરિણામે વિદ્યાર્થીઓની‘એમ્પ્લોયેબીલીટી’વધે છે.
ડો. કાશીકરે વધુમાં જણાવ્યું હતું કે આ પરિણામમાં સંસ્થાના ૫૧% થી વધુ વિદ્યાર્થીઓએ ડીસ્ટિંકશન અને ૨૫%થી વધુ વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ગ મેળવ્યો છે એ વિદ્યાર્થીઓએ અત્યંત શિસ્ત અને ધીરજથી કરેલી મહેનતનું પરિણામ છે.આ બેચના કેટલાક વિદ્યાર્થીઓ પરિણામ પહેલાં જ તાલીમમાં અને મીડિયા ફિલ્ડમાં જોડાઈ ગયા છે. સંસ્થાના વિદ્યાર્થીઓએ મેળવેલી આ સફળતા બદલ સમગ્ર ટીમ એનઆઇએમસીજે અને વિદ્યાર્થીઓને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રદીપભાઈ જૈન તથા સમગ્ર ટ્રસ્ટીગણે હાર્દિક અભિનંદન આપ્યા હતા.