Site icon Revoi.in

અમદાવાદમાં કોરોનાના ત્રીજા વેવને પહોંચી વળવા 11 અધિકારીને જવાબદારી સોંપાઈ

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાની ત્રીજી સંભવિત લહેરને લઈ મ્યુનિ. કોર્પોરેશને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી લહેરમાં રાજ્યમાં કોઈ અંધાધૂંધી કે અવ્યવસ્થા ન સર્જાય એના માટે આગોતરા આયોજનરૂપે IAS અધિકારીને જવાબદારી સોંપાઈ છે. અમદાવાદ શહેરમાં પણ સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે. દવાઓ, ઓકિસજન, ડેશબોર્ડ, 108, ધન્વંતરિ રથ અને વેક્સિનેશન સહિતની તમામ બાબતો માટે અલગ અલગ અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે જવાબદારી આપી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો. ઓમપ્રકાશ માચરાને અમદાવાદમાં કોરોનાની તમામ કામગીરીના સંકલનની જવાબદારી સોંપાઈ છે. જોકે બીજી લહેરમાં જે રીતે 108 એમ્બ્યુલન્સ સેવામાં લોકોને હાલાકી પડી હતી અને લાઈનો લાગી હતી. બીજી લહેરમાં તેમને શિરે 108ની જવાબદારી હતી. IAS દિલીપ રાણાને ફરીથી 108 એમ્બ્યુલન્સની જ જવાબદારી સોંપાતાં સવાલ ઊભા થયા છે.

કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસો નોંધાયા હતા. હોસ્પિટલમાં બેડથી લઈ ઓક્સિજન સહિતની અસુવિધા અને હેરાનગતિથી કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે ત્રીજી લહેરમાં ફરી આ સ્થિતિ ન ઊભી થાય એના માટે અમદાવાદમાં તૈયારીઓ કરી દેવાઈ છે.

મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે 11 જેટલા અલગ અલગ અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરી છે, જેમાં ત્રણ IAS ઓફિસર, પાંચ ડોકટર, એક આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને સિટી એન્જિનિયર તેમજ ચીફ એન્જિનિયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. IAS ડો. ઓમ પ્રકાશ માચરાને સંકલનની જવાબદારી સોંપાઈ છે.

હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, દવા, વેક્સિનેશન, ટેલિમેડિસિન, ડેશબોર્ડ, 108 એમ્બ્યુલન્સ, સંજીવની રથ અને ‘મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ’ની જવાબદારી સોંપવામાં આવી છે. આગામી ત્રીજી લહેરમાં અમદાવાદમાં કોરોનાની સારવાર મામલે દર્દીઓને હાલાકી ન પડે એવી વ્યવસ્થા ગોઠવાઈ તો છે, પરંતુ ખરેખર અમલ થાય એ જરૂરી છે.

મુખ્યમંત્રી રૂપાણીએ જે-જે સચિવોને સંભવિત થર્ડ વેવના સામના માટેના આગોતરા આયોજનની જવાબદારી સોંપી છે એ તેમને આજે ગુરુવારથી જ યુદ્ધના ધોરણે જવાબદારી ત્વરાએ ઉપાડી લેવા સૂચનાઓ આપી હતી.

તેમણે કહ્યું હતું કે આપણે પ્રાર્થના કરીએ કે થર્ડ વેવ આવે જ નહીં, પરંતુ જો આવે તો મૃત્યુ આંક વધે નહીં, સંક્રમિતોને ત્વરિત સારવાર મળે, હોસ્પિટલમાં બેડ, દવા, ઓક્સિજન સહિતની પૂરતી વ્યવસ્થાઓ મળે અને તેઓ જલદી સાજા થઇને પરત જાય એવા ત્રેવડા વ્યૂહથી સજ્જ થઇને કાર્ય યોજનાઓ ટાઇમબાઉન્ડ પૂરી કરવાની છે.