હરામીનાળામાંથી પાકિસ્તાનની 11 બોટ પકડાઈઃ શંકાસ્પદ લોકોને ઝડપી લેવા કમાન્ડોને એરડ્રોપ કરાયા
અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના હરામીનાળા પાસેથી બિનવારસી હાલતમાં દસેક જેટલી બોટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે. તેમજ બીએસએફની ટીમ દ્વારા વાયુસેનાની મદદથી સરક્રીક વિસ્તારમાં તપાસ શરૂ કરવામાં આવી છે. પાકિસ્તાની બોટમાં આવેલા શંકાસ્પદ લોકોને શોધી કાઢવા માટે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરની મદદથી કમાન્ડોને એર-ડ્રોપ કરવામાં આવ્યાં હતા.
ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલું છે. દરમિયાન હરામી નાળામાંથી 11 પાકિસ્તાની બોટ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. બીએસએફના જણાવ્યા અનુસાર, એરફોર્સના હેલિકોપ્ટરની મદદથી કમાન્ડોના ત્રણ જૂથને સર ક્રીક વિસ્તારના અલગ-અલગ વિસ્તારોમાં એર-ડ્રોપ કરવામાં આવ્યા છે. 300 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બીએસએફને શંકા છે કે શંકાસ્પદ પાકિસ્તાની નાગરિકો સિરક્રીક વિસ્તારના ટાઈટલ-વોટર (ભરતીના પાણી), સ્વેમ્પ્સ અને મેન્ગ્રોવના જંગલોમાં છુપાયેલા છે. તેમની ધરપકડ માટે જ કમાન્ડો કાર્યવાહી કરવામાં આવી છે.
બીએસએફના ગુજરાત ફ્રન્ટિયર (ગાંધીનગર)ના આઈજી જીએસ મલિકે કચ્છમાં ધામા નાખ્યાં છે. તેમજ શંકાસ્પદ પાકિસ્તાની નાગરિકોને શોધીકાઢવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. બીએસએફને શંકા છે કે પાકિસ્તાની નાગરિકો પકડાઈ જવાના ડરથી આસપાસના વિસ્તારમાં છુપાઈ ગયા છે. ગુજરાતમાં પાકિસ્તાની સરહદને અડીને આવેલા સરક્રીક વિસ્તારમાં અવારનવાર પાકિસ્તાની બોટ મળી આવે છે. પરંતુ આ માછીમારોની આડમાં પાકિસ્તાની દાણચોરો અને આતંકવાદીઓ પણ ઘૂસણખોરીનો પ્રયાસ કરતા હોય છે.