રાજકોટ જિલ્લામાં રાજાશાહી વખતની 11 પ્રાથમિક શાળાઓનો 5.14 કરોડના ખર્ચે જીણોદ્ધાર કરાશે
રાજકોટઃ જિલ્લામાં રાજાશાહી વખતની 11 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ શાળાના વર્ષો જુના ખખડધજ હેરિટેજ મકાનો આગવી ઓળખસમા ઊભા છે. વર્ષો જુના મકાનો હોવાથી તેને મરામત કરાવવા જરૂરી છે. ત્યારે જિલ્લાના 11 હેરિટેજ શાળાઓનુ રૂ.5.14 કરોડના ખર્ચે રિનોવેશન કરાશે. જેમાં ધોરાજી અને ઉપલેટામાં આંતરિયાળ વિસ્તારોમાં આવેલી રાજાશાહી સમયની પ્રાથમિક શાળાઓ છેલ્લા ઘણાં સમયથી જર્જરિત હોવાથી નવનિર્માણ ઝંખતી હતી. આ દરમિયાન આ પ્રાથમિક શાળાઓનાં રિનોવેશનની કામગીરી થતાં આ શાળાઓએ એક નવી જ ઓળખ પ્રાપ્ત થશે.
જિલ્લા સેવા સદનના સૂત્રોના જણાવ્યા મુજબ ધોરાજીની 6 શાળાઓ માટે રૂ. 2.76 કરોડ, તથા ઉપલેટાની 5 શાળાઓને રૂ. 2.37 કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવશે. જેનાથી રાજાશાહી સમયની આ શાળાઓનો ઐતિહાસિક વારસો જળવાય રહેશે. અને જર્જરિત શાળાઓનુ પુનઃ નિર્માણ થતાં શૈક્ષણિક પ્રવૃત્તિઓને વેગ મળશે. વર્ષો પહેલા મહારાજાએ શિક્ષણ પર ભાર મુકીને શાળાઓ શરૂ કરી હતી. અને આઝાદી પહેલાના ધોરાજી અને ઉપલેટામાં 11 શાળાઓના મકાનો અડીખમરીતે ઊભા છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, મહારાજા ભગવતસિંહજીના શાસન કાળમાં રાજકોટ જિલ્લાના ગોંડલ, ઉપલેટા,ધોરાજી વિસ્તારોમાં ખૂબ સારો વિકાસ થયો હતો. મહારાજા આધુનિક શિક્ષણના પ્રણેતા અને દૂરંદેશી શાસક હતા. તેમણે 20મી સદીના પ્રારંભમાં દરેક ગ્રામ વિસ્તારમાં શાળાઓ બંધાવી, જે શાળાઓમાંથી જિલ્લાના અનેક સમાજસેવકો, નેતાઓએ શિક્ષણ મેળવી સમાજમાં વિશિષ્ટ યોગદાન આપ્યું છે. આ 11 શાળાઓના રૂ. 5,14,43,107 ના ખર્ચે પુનઃ નિર્માણ થકી 1,737 વિદ્યાર્થીઓને લાભ મળશે. આ સાથે જ હાલ જર્જરિત શાળાઓનું આગામી સમયમાં જીર્ણોદ્ધાર થતા જિલ્લાના અંતરિયાળ તાલુકાઓમાં શિક્ષણ પ્રવૃત્તિને વેગ મળશે તેમજ ઐતિહાસિક વારસાનું જતન પણ થશે.