Site icon Revoi.in

ગુજરાતમાં બે વર્ષમાં ગટરમાં ઉતરેલા 11 સફાઈ કામદારોના મોત થયાં, 110 લાખની સહાય ચૂકવાઈ

Social Share

ગાંધીનગગરઃ  રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું છે કે, રાજ્યમાં ગટરમાં સફાઈ કરવા ઉતરેલા સફાઈ કામદારોના મૃત્યુ અંગે રાજ્ય સરકાર સતત ચિંતિત છે.આવી ઘટનાઓ ન બને એ માટે રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓ,નગર પાલિકાઓ અને ગ્રામ પંચાયતોમાં ગટરમાં ઉતરીને સફાઈ ન કરવા પ્રતિબંધ મૂકવા માર્ગદર્શક સૂચનાઓ પણ છે.

ગુજરાત  વિધાનસભામાં  આજે રાજ્યમાં ગટરમાં ઉતરીને સફાઈ કરતા કામદારના મૃત્યુ અંગે પૂછાયેલા  પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી શ્રીમતી બાબરીયાએ ઉમેર્યું કે,રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં પ્રત્યેક સફાઈ કામદારના મૃત્યુદીઠ રૂપિયા 10 લાખ લેખે કુલ 11 કામદારોના પરિવાર જનોને રૂ.110  લાખની સહાય ચૂકવાઈ છે.

સફાઈ કામદારોને સહાય અને સુરક્ષા અંગેના અન્ય એક પૂરક પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ ઉમેર્યું કે, સફાઈ કર્મીઓને અસ્વચ્છ કામમાંથી મુક્તિ આપવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.આ માટે રાજ્યમાં સફાઈ કામદાર વિકાસ નિગમ કાર્યરત છે જેના દ્વારા સફાઈ કર્મીઓને સલામતી ના સાધનો તથા લોન આપવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવે છે, જેમાં 4 થી 6 ટકાના દરે વ્યાજ સહાય અપાય છે અને રૂપિયા 30 થી 75 હજાર સુધીની સબસીડી પણ રાજ્ય સરકાર આપે છે.આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જે સફાઈકર્મીઓનું મૃત્યુ ગટરમાં ઉતરીને કામ કરવાથી થયું હોય તેને રૂ. 10 લાખની મૃત્યુ સહાય ચૂકવવામાં આવે છે.

તેમણે ઉમેર્યું કે સફાઈ કર્મીઓને ગટરમાં ઉતરીને કામ ન કરવું પડે તે માટે રાજ્યની મહાનગર પાલિકા,નગરપાલિકા અને ગ્રામ પંચાયતોમાં જેટી મશીન, સકશન મશીન, હાઇડ્રોલિક ટ્રોલી, ડ્રેનેજ મશીન,વોશીંગના સાધનોની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઈ છે સાથે સાથે કર્મચારીઓની સુરક્ષા માટે પણ બ્રીધીંગ મશીન,હેલ્મેટ,ગોગલ્સ, હેન્ડગ્લોવ્ઝ જેવા સાધનોની પણ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. (File photo)