Site icon Revoi.in

સુરતમાં 13 દિવસમાં 110 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, વધુ તકેદારી રાખવા શાળાઓને સુચના

ALLAHABAD, INDIA - 2015/02/18: Students wearing masks to prevent getting infected by Swine flu as a girl infected by Swine flu at Indian Institute of Information Technology (IIIT). (Photo by Prabhat Kumar Verma/Pacific Press/LightRocket via Getty Images)

Social Share

સુરતઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સાથે જ શહેરની સ્કૂલોમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. સુરતની સ્કૂલ-કોલેજોમાં છેલ્લા 13 દિવસમાં 110 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત આવી ચૂક્યા છે. શનિવારે એક જ દિવસમાં શહેરમાં 26 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા હતા. 20 ડિસેમ્બરના રોજ 3 વિદ્યાર્થી સંક્રમિત થયા હતા. જ્યારે ગત રોજ 26 વિદ્યાર્થી સંક્રમિત થતા છેલ્લા 13 દિવસમાં જ 9 ગણો વધારો નોંધાયો છે. કોરોનાના કેસમાં વધારો થતાં વાલીઓ પણ ચિંતિત બન્યા છે. શહેરના જિલ્લા શિક્ષણાધિકારીએ પણ વધુ તકેદારી રાખવા તમામ શાળાઓને સુચના આપી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરના રાંદેર ઝોનના પાલ વિસ્તામાં રહેતી 16 વર્ષીય વિદ્યાર્થિનીનો રિપોર્ટ પણ ઓમિક્રોન પોઝિટિવ આવતા ફફડાટ વ્યાપી ગયો હતો. વિદ્યાર્થિની  જે ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરે છે તે સ્કૂલમાં એક વિદ્યાર્થી પોઝિટિવ આવતા કોન્ટેક ટ્રેસિંગ કરી વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જેમાં આ વિદ્યાર્થિનીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વિદ્યાર્થિનીને પણ કોઈ તકલીફ વગર કોરોનામાંથી મુક્તિ મળી ચૂકી છે. જોકે, તેની ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાથી ઓમિક્રોન સુરતમાં પ્રસરી ગયો હોવાનો માહોલ ઊભો થયો છે. અગાઉ કેસ આવે તો આખી સ્કૂલ 14 દિવસ માટે બંધ કરાતી. ત્યારબાદ જે વર્ગમાં ભણતો વિદ્યાર્થી પોઝિટિવ આવે તો તે ક્લાસ જ બંધ કરવામાં આવતો હતો પણ છેલ્લા થોડા દિવસોથી સ્કૂલોના વિદ્યાર્થીઓ સતત પોઝિટિવ આવતા હોવાના કારણે ફરી એક વખત સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યભરમાં 3થી 9 જાન્યુઆરી દરમિયાન ખાસ મેગા ડ્રાઈવના ભાગરૂપે 15-18 વર્ષ વય જૂથના બાળકોને કોવિડ-19ની વેક્સિન અપાવામાં આવશે. આ કેમ્પેઇનમાં રાજ્યમાં આશરે 35 લાખથી વધુ બાળકોને વેક્સિન આપવામાં આવશે. સુરતમાં કુલ 1.41 લાખ બાળકોને વેક્સિન મૂકવાની તૈયારી કરવામાં આવી છે. આ માટે સમગ્ર રાજ્યમાં 3 જાન્યુઆરીથી શાળા અને અન્ય સ્થળે જ્યાં આ વય જુથના લાભાર્થી હોય ત્યાં વેક્સિનેશન માટે અલાયદા સેશન કરવામાં આવનાર છે. સુરતમાં ઓમિક્રોનના કેસની સાથે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 13 દિવસમાં સુરત શહેર જિલ્લામાં 620 કેસ નોંધાયા છે. ગત 20 ડિસેમ્બરના રોજ માત્ર 8 કેસ નોંધાયા હતા. જ્યારે 1 જાન્યુઆરીએ 164 કેસ નોંધાયા હતા. જેથી છેલ્લા 13 દિવસમાં જ કોરોનાના કેસમાં 25 ગણો વધારો નોંધાયો છે. (file photo)