Site icon Revoi.in

સુરત ખાતે નેશનલ ગેમ્સમાં ભાગ લેવા 115 ખેલાડીઓ પહોંચ્યા

Social Share

અમદાવાદઃ રાજ્યના છ શહેરોમાં યોજાઈ રહેલી 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતમાં 24 સપ્ટેમ્બર સુધી ટેબલ ટેનિસ સ્પર્ધા તથા તા.1 થી 6 ઓક્ટોબર સુધી બેડમિન્ટન સ્પર્ધા યોજાશે. સુરતના મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, સ્પર્ધાનું શેડ્યૂલ 24 સપ્ટેમ્બર સુધી પીડીડીયુ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનિસની રમત યોજાશે. આ જ સ્થળે તા.1 ઓક્ટોબરથી બેડમિન્ટન થશે જયારે ડુમસ બીચ ખાતે બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલનું આયોજન કરવામાં આવ્યું છે. 115 ખેલાડીઓ શહેરમાં પહોંચ્યા છે, તેમના માટે શ્રેષ્ઠ આવાસીય સુવિધાઓ સાથે રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ પર વેલકમ ડેસ્ક અને પિકઅપ અને ડ્રોપ માટેની પરિવહન સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

બંછાનિધિ પાનીએ વધુમાં કહ્યું કે, સુરતવાસીઓ રાજ્યના છ શહેરોમાં યોજાઈ રહેલી 36ની નેશનલ ગેમ્સના ભાગરૂપે બે અલગ-અલગ સ્થળોએ 15થી વધુ ગોલ્ડ મેડલ માટે ચાર સ્પોર્ટ્સ ડિસિપ્લિન્સના રમતવીરોની વિશ્વસ્તરની સાક્ષી બનશે. કુલ 85 ટેબલ ટેનિસ ખેલાડીઓ જેમાં 43 મહિલા અને 42 પુરૂષ ખેલાડીઓ સાત ગોલ્ડ મેડલ માટે પાંચ દિવસ સુધી પોતાની આગવી રમત રમશે અને ગોલ્ડ જીતવા માટે સ્પર્ધા કરશે.

નેશનલ ગેમ્સ વિશે જાગૃતિ ફેલાવવાના અભિયાનના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાએ તા.18 થી 20 સપ્ટેમ્બર દરમિયાન વેસુ કેનાલ પાથવે ખાતે સ્પોર્ટ્સ કાર્નિવલનું સફળ આયોજન કર્યું હતું. જેમાં યુવાનો, બાળકો, મહિલાઓને પરંપરાગત ભારતીય રમતો, સાયકલિંગ, રોલર સ્કેટિંગ અને અન્ય ગામઠી રમતોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. એફઆર સ્નેહિત સુરવાઝુલા, શ્રીજા અકુલા અને પ્રાપ્તિ સેન જેવા આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ સ્ટાર પણ કાર્નિવલમાં હાજર રહ્યા હતા અને સુરતવાસીઓના ઉત્સાહમાં સહભાગી બન્યા હતા.