મહારાજા કૃષ્ણકૂમારસિંહજી ભાવનગર યુનિ.ના યુવક મહોત્સવમાં 1162 વિદ્યાર્થીઓ ભાગ લેશે
ભાવનગરઃ મહારાજા કૃષ્ણકૂમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો યુવક મહોત્સવ આગામી તા. 2જી નવેમ્બરના રોજ યોજાશે. આ મહોત્સવમાં યુનિવર્સિટી સંલગ્ન 60 કોલેજોના 1162 વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે. યુનિ. દ્વારા યુવક મહોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો આંતર કોલેજ સ્પર્ધાત્મક યુવક મહોત્સવ આગામી તા. 2 નવેમ્બરથી પાંચ નવેમ્બર દરમિયાન યોજાશે. આ વર્ષે ભાગ લેનાર કોલેજો અને સ્પર્ધકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ગત વર્ષે 42 કોલેજો હતી જ્યારે આ વખતે 60 કોલેજોએ ભાગ લીધો છે. ગત વર્ષે 750 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જ્યારે આ વર્ષે 1162 જેટલા વિદ્યાર્થીઓએ યુવક મહોત્સવમાં ભાગ લેશે. તેમ શારીરિક શિક્ષણ નિયામક ડો. દિલીપસિંહ ગોહિલે માહિતી આપતા જણાવ્યું હતું. આ વર્ષે યુવક મહોત્સવને ‘મનભાવન’ નામ આપવામાં આવ્યું છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આ સ્પર્ધાત્મક યુવક મહોત્સવ મનભાવનમાં ભાગ લેનારી કોલેજોના પ્રતિનિધિઓની બેઠક યુનિવર્સિટીના નવા કોર્ટ હોલ ખાતે યોજાઈ હતી. જેમાં ઈસી સભ્યો ડો.ગીરીશ પટેલ, ડો.ઇન્દ્રભાઈ ગઢવી, કાર્યકારી કુલ સચિવ અને શારીરિક શિક્ષણ નિયામક ડો.દિલીપસિંહ ગોહિલ અને ગુજરાતી ભવનના અધ્યક્ષ ડો. મહેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. યુવક મહોત્સવના વિચારું આયોજન અને વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમ જ પારદર્શિતા વિશ્વસનીયતા અને ગોપનીયતા જળવાઈ રહે તે હેતુસર ભાગ લેનારી દરેક સંસ્થાને કોડની ફાળવણી આ બેઠકમાં કરવામાં આવી હતી. ભાવનગર યુનિવર્સિટી દ્વાર આગામી યુવક મહોત્સવને લઇ આખરી ઓપ આપવા તડામાર તૈયારી ચાલી રહી છે.
ભાવનગર યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં યોજાનારા યુવક મહોત્સવમાં વકૃત્વ સ્પર્ધાના વિષયો જાહેર કરવામાં આવ્યા છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેટલું પડકાર જનક ?, આવો વૃદ્ધાશ્રમ ઘટાડીએ, યત્ર નાર્યસ્તુ પૂજ્યતે, પર્યાવરણ અને મનુષ્ય એક સિક્કાની બે બાજુઓ, વૈશ્વિક આતંકવાદ અસરો અને ઉકેલો તથા બુલંદ ભારત કી બુલંદ તસ્વીર એમ છ વિષયો નક્કી કરવામાં આવ્યા છે