Site icon Revoi.in

અમદાવાદ સહિતના ડિવિઝનમાં 4 મહિનામાં ટ્રેનોની ટિકિટ બ્લેકમાં વેચતા 118 શખસ પકડાયાં

Social Share

અમદાવાદઃ કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયા બાદ સરકારે નિયંત્રણો હળવા કરતા હવે જનજીવન રાબેતા મુજબ બની ગયું છે. સાથે જાહેર પરિવહન સેવા પણ રાબેતા મુજબ બની ગઈ છે. મોટાભાગની ટ્રેનોમાં રિઝર્વેશન હાઉસફુલ થઈ રહ્યા છે. રેલવે હાલ ફક્ત રિઝર્વ ટ્રેનો જ દોડાવી રહ્યું છે. જેના પગલે રિઝર્વેશન વગર ટ્રેનમાં મુસાફરી કરી શકાય તેમ નથી. જેથી ઘણીવાર ટ્રેનમાં ટિકિટ ન મળતાં પેસેન્જરો દલાલો પાસે વધુ કિંમત ચુકવી ટિકિટ બુક કરાવે છે. દલાલો પણ પ્રતિબંધિત સોફ્ટવેરનો ઉપયોગ કરી ગેરકાયદે તરકીબો અજમાવે છે. આવા દલાલોને ઝડપી પાડવા રેલવે પોલીસ (આરપીએફ) સતત અભિયાન ચલાવી રહ્યુ છે.

પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ એપ્રિલથી જુલાઈ દરમિયાન આરપીએફએ અમદાવાદ સહિત ડિવિઝનમાં અલગ અલગ સ્થળે દરોડા પાડી 101 કેસ નોંધ્યા હતા. જેમાં 31 આઈઆરસીટીસીના એજન્ટો સહિત 118 દલાલોની ધરપકડ કરી હતી, એજ રીતે 377 પર્સનલ આઈડી બ્લોક કર્યા હતા.આરપીએફની તપાસ દરમિયાન દલાલો પાસેથી લાઈવ અને વપરાયેલી ટિકિટો જપ્ત કરાઇ હતી. જેમાં કાઉન્ટર પરથી લીધેલી 1.18 લાખ રૂ.ની 39 લાઈવ કાઉન્ટર ટિકિટ અને 6.40 લાખ રૂ.ની 444 લાઈવ ઈ-ટિકિટ જપ્ત કરાઇ હતી. એજ રીતે 1.39 લાખ રૂ.ની 51 વપરાયેલી કાઉન્ટર ટિકિટ અને 21.11 લાખ રૂ.ની 1672 ઈ-ટિકિટ જપ્ત કરાઇ હતી. જ્યારે અનિયમિતતા આચરી બનાવેલી 2.60 લાખ રૂ.ની 93 કાઉન્ટર ટિકિટ અને 27.47 લાખ રૂ.ની 2105 ઈ-ટિકિટ સીઝ કરવામાં આવી હતી. અગાઉ પણ અનેક દલાલો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.