રાયપુરઃ છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં કેડિયા ડિસ્ટિલરીના 40 કર્મચારીઓને લઈને કુમ્હારીથી ભિલાઈ પરત ફરી રહેલી બસ મંગળવારે રાત્રે 9 વાગ્યે ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકોને ગંભીર રીતે ઘવાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, છત્તીસગઢના રાયપુર-દુર્ગ રોડ પર મંગળવારે રાત્રે કર્મચારીઓથી ભરેલી બસ 50 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. આ દુર્ઘટનામાં 12 કર્મચારીઓનાં મોત થયા છે, જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. જેમાં 10ની હાલત ગંભીર છે. મૃતકોમાં 3 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અકસ્માતના બનાવની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. ઘાયલોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. કલેક્ટરે અકસ્માત અંગે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.
કેડિયા ડિસ્ટિલરીએ કહ્યું છે કે મૃતકોના આશ્રિતોને 10-10 લાખ રૂપિયા આપવામાં આવશે, એક સભ્યને નોકરી આપવામાં આવશે અને ઘાયલોની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવશે. તમામ ઘાયલોને એઈમ્સ, એપેક્સ, ઓમ અને અન્ય હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટના કુમ્હારીના ખપરી રોડ પર મુરુમ ખાણમાં થઈ હતી. કેડિયા ડિસ્ટિલરીના કર્મચારીઓ પ્લાન્ટમાંથી બસમાં પરત ફરી રહ્યા હતા. અકસ્માત સમયે બસમાં 40 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ઘાયલોને રાયપુર રેફર કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. ટોર્ચ અને મોબાઈલની ફ્લેશ લાઈટથી બચાવ કામગીરી કરવામાં આવી રહી છે
રાજ્યના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટર પર કહ્યું, “દુર્ગના કુમ્હારી પાસે એક ખાનગી કંપનીના કર્મચારીઓથી ભરેલી બસના અકસ્માત અંગે દુઃખદ સમાચાર મળ્યા છે. આ અકસ્માતમાં 12 કર્મચારીઓના મોતના સમાચાર મળી રહ્યા છે. મૃત આત્માને ભગવાન શાંતિ આપે અને શોકગ્રસ્તોને પરિવારને હિંમત મળે તે માટે પ્રાર્થના કરું છું.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે અકસ્માતમાં ઘાયલ થયેલા કર્મચારીઓની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. હું તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું