તુર્કી-ગ્રીક સરહદ ઉપર બરફના તોફાનમાં 12 પ્રવાસીઓના મોત
નવી દિલ્હીઃ તુર્કી-ગ્રીક સરહદ ઉપર એક અઠવાડિયા પહેલા આવેલા બરફના તોફાનને કારણે તુર્કીના શહેરમાં ઓછામાં ઓછા 12 વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. આ તમામ પ્રવાસીઓ હોવાનું જાણવા મળે છે. એક રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના માટે બંને દેશો એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. આ પ્રવાસીઓ ક્યાંથી આવ્યા હતા અને ખરાબ પરિસ્થિતિમાં કેવી રીતે ફસાઈ ગયા તે હજુ સુધી જાણી શકાયું નથી.
તુર્કીના ગૃહ પ્રધાન સુલેમાન સોયલુએ અસ્પષ્ટ તસ્વીરો ટ્વીટ કરી હતી જેમાં ઓછામાં ઓછા આઠ લોકોના મૃતદેહ દેખાય છે, તેમણે કહ્યું હતું કે, “ગ્રીક બોર્ડર યુનિટે 22માંથી 12 પ્રવાસીઓને પાછા ધકેલી દીધા હતા. તેમના કપડાં અને ચંપલ ઉતારી લેવામાં આવ્યા હતા જેના કારણે ઠંડીના લીધે તેનું મોત થયું હતું. ગ્રીક ઈમિગ્રેશન મિનિસ્ટર મિતારાચીએ આ આરોપને નકારી કાઢ્યો હતો.
તેમણે કહ્યું હતું કે, તુર્કી સીમા પર ઈપ્સાલા નજીક 12 પ્રવાસીઓના મોત એક દુઃખઘદ ઘટના છે. “નિરાધાર દાવાઓને ફગાવવાને બદલે, તુર્કીને તેની જવાબદારીઓ પૂરી કરવાની સાથે આ ખતરનાક યાત્રાને રોકવા માટે કામ પ્રયાસો કરવા જોઈએ. સીએનએન અનુસાર, માર્યા ગયેલા 12 પ્રવાસીઓ 22 લોકોના જૂથનો ભાગ હતા. પ્રાદેશિક અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ બાકીના પ્રવાસીઓની શોધ કરી રહ્યા છે અને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.