કુનો પાર્કમાં આવશે વધુ 12 ચિત્તા,ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ થયું રવાના
ભોપાલ:મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ટૂંક સમયમાં ચિત્તાઓની સંખ્યામાં વધારો થવા જઈ રહ્યો છે.આ વખતે આ ચિતાઓને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવશે.17મીએ રાત્રે 8:00 કલાકે દક્ષિણ આફ્રિકાથી વિશેષ વિમાન રવાના થશે અને 18મી ફેબ્રુઆરીએ સવારે 10:00 કલાકે ગ્વાલિયર એરપોર્ટ પર લેન્ડ કરશે.
દક્ષિણ આફ્રિકાથી ચિત્તા લાવવા માટે, વાયુસેનાનું વિશેષ વિમાન C-17 ગ્લોબમાસ્ટર આજે સવારે દક્ષિણ આફ્રિકા માટે ઉડાન ભરી ચૂક્યું છે.18 ફેબ્રુઆરીના રોજ સવારે 10:00 કલાકે ચિત્તાઓને લઈને આ વિમાન ગ્વાલિયર એરપોર્ટ પર લેન્ડ કરશે, ત્યારબાદ MI 17 હેલિકોપ્ટર દ્વારા ચિત્તાઓને કુનો નેશનલ પાર્ક લઈ જવામાં આવશે.વેટરનરી ડૉક્ટર અને ચિત્તા નિષ્ણાત ડૉ.લોરેલ આ જ ખાસ વિમાનમાં ચિત્તાઓની સાથે આવશે.
આ સમગ્ર સેવા માટે સંરક્ષણ મંત્રાલય અને વાયુસેનાએ પર્યાવરણ મંત્રાલય પાસેથી કોઈ ફી વસૂલ કરી નથી અને આ સેવા વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.
દેશમાં પ્લેન લેન્ડ થયા બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના સ્વાગત માટે હાજર રહેશે. આ વખતે દક્ષિણ આફ્રિકાથી 7 નર અને પાંચ માદા ચિતા લાવવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય ધોરણો હેઠળ, આ ચિત્તાઓને 1 મહિના માટે કુનો નેશનલ પાર્કમાં ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે.ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થયેલા એમઓયુ અનુસાર દર વર્ષે દક્ષિણ આફ્રિકાથી આગામી 10 વર્ષ સુધી 10 થી 12 ચિત્તાઓને દેશમાં લાવવામાં આવશે જેથી તેમની પૂરતી સંખ્યા અહીં રહી શકે.