દિલ્હીમાં સીબીઆઈના દરોડા બાદ 12 ઉચ્ચ અધિકારીઓની બદલી
દિલ્હીઃ એક્સાઈઝ પોલીસીમાં કથિત ગેરરીતિ મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના નિવાસસ્થાન ઉપર સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. જેના પગલે રાજકારણ ગરમાયું છે. દરમિયાન દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે 12 આઈએએસ અધિકારીઓની ટ્રાન્સફર કરી હોવાનું જાણવા મળે છે.
દિલ્હી સરકારના સેવા વિભાગ દ્વારા જાહેર કરાયેલા ટ્રાન્સફર ઓર્ડરમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વિશેષ સચિવ ઉદિત પ્રકાશ રાયનો ઉલ્લેખ કરાયો છે. રાયની વહીવટી સુધારણા વિભાગમાં વિશેષ સચિવ તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત જીતેન્દ્ર નરાયન, અનિલ કુમાર સિંહ, વિવેક પાંડ્યે, શૂરવીર સિંહ, ગરિમા ગુપ્તા, આશિષ માધરાવ, વિજેન્દ્ર સિંહ, કૃષ્ણ કુમાર, કલ્યાણ સહાય, સોનલ સ્વરૂપ અને હેમંત કુમારની પણ બદલી કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર કથિત ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈએ ફરિયાદ નોંધી હતી. જેમાં પ્રથમ નામ મનીષ સિસોદિયાનું છે. લગભગ 15 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. દારૂની નીતિમાં કથિત ભ્રષ્ટાચાર મામલે સીબીઆઈએ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાના નિવાસ સ્થાન ઉપર દરોડા પાડીને તપાસ કરી હતી. જેથી રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવાની અનિવાર્ય મંજૂરી ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ આપી હોવાનું જાણવા મળે છે.