સુરતઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વધુ મહેરબાન થયા હોય તેમ આ વખતે સારોએવો વરસાદ પડ્યો છે. અને હજુ પણ ભારે વરસાદની આગાહી હોય તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતની મોટાભાગની નદીઓમાં પૂર આવ્યા છે. ત્યારે તાપી નદી પરના ઉકાઈ ડેમની જળ સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે. ડેમની સપાટી 331 ફૂટે પહોંચતા તાપી નદીમાં 12098 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. અને કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરાયા છે.
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદની આગાહી વચ્ચે બારે મેઘ ખાંગા થયા હતાં. ત્યારે શનિવારે ઘણા દિવસો બાદ સુરત શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લીધો હોય તેમ ઝરમર વરસાદ વરસ્યો હતો. સાથે જ વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂર્યનારાયણે દર્શન દીધા હતાં. બીજી તરફ ઉકાઈના ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી રહી છે. ત્યારે ડેમની રૂલ લેવલની સપાટી જાળવી રાખવા માટે તંત્ર દ્વારા પાણીની આવકની સાથે આઉટફ્લો વધારી દેવામાં આવ્યો છે.
સુરત જિલ્લામાં ઘણા દિવસોથી વરસી રહેલા કાચા સોના સમાન વરસાદથી ખેડૂતોએ ધાન સહિતના પાકોનું વાવેતર કરી દીધું છે. ત્યારે ઉભા પાકને જરૂરી ઉઘાડ થતાં ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. સવારથી વાદળછાયા વાતાવરણ અને ઝરમર વરસાદ વચ્ચે સૂર્યનારાયણના અલપ ઝલપ દર્શન થઈ જતાં ખેડૂતોને પણ ઉભા પાકને લઈને ફાયદો થવાની આશા છે.
ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સાથે જ મહારાષ્ટ્રના હથનૂર ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમની સપાટી વધીને શનિવારે સવારે 8 વાગ્યા સુધીમાં 331.26 ફૂટે પહોંચી ગઈ છે. ડેમનું રૂલ લેવલ 333 ફૂટ જાળવી રાખવા માટે તંત્ર દ્વારા મથામણ આદરી દેવામાં આવી છે. ઉકાઈમાં હાલ પાણીની આવક 84298 ક્યુસેક છે. જેની સામે આઉટ ફ્લો 12098 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વિયર કમ કોઝવની સપાટી 6.54 મીટરે પહોંચી ગઈ છે.