ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોને જનસુખાકારીના લાભો સત્વરે મળે એ માટે વિવિધ વિકાસ કામોને વધુ વેગવાન બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય કરીને મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી છે. તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતુ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રોડ કનેક્ટિવિટીમાં દેશભરમાં મોખરે રહ્યું છે ત્યારે, રાજ્યભરમાં 12,200 કરોડના વિવિધ વિકાસ કામો ખાતમુર્હૂત-લોકાર્પણ આગામી ઓકટોબર માસ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જેમાં 33 જિલ્લાઓને આવરી લેવાશે. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પી.એમ. ગતિશક્તિ યોજના અંતર્ગત ગુજરાતે શ્રેષ્ઠ કામગીરી કરીને દેશભરમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સાથે સંકલન કરીને 49થી વધુ NOC-મંજૂરીઓ ટૂંકા ગાળામાં મેળવવામાં આવી છે. ગુજરાતમાં રૂ. 2700 કરોડના ખર્ચે નિર્માણ થનારા ઉમરગામથી નારાયણ સરોવરના કોસ્ટલ હાઇવે માટે પણ વિવિધ વિભાગોના સંકલનના કારણે અંદાજે રૂ. 500 કરોડની બચત થશે. આવા અનેક પ્રોજેક્ટ રાજ્યમાં ચાલી રહ્યા છે જે સત્વરે પૂર્ણ કરાશે.
પ્રવકતા મંત્રીએ ઉમેર્યું હતું કે વાંસ કલાના કારીગરોને પ્રોત્સાહિત કરીને તેમને વધુને વધુ રોજગારી મળે એ માટે 42 લાખ જેટલા વાંસનું વિતરણ કરાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ડેડિયાપાડા ખાતે મે માસના અંતમાં કાર્યક્રમ યોજાશે. આદિવાસી સમાજના 168 જેટલાં ગામના લોકોને આનો લાભ મળશે. આ કલાને પ્રોત્સાહન આપવા માટે વાંસ કૌશલ્ય વર્ધન કેન્દ્ર થકી વિવિધ પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ વિવિધ રેન્કના આધારે પંચાયતોની પસંદગી કરવામાં આવે છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે આ ક્ષેત્રે પણ નોંધપાત્ર કામગીરી કરી છે. જેના પરિણામે દેશભરની 1 થી 50ના રેન્કમાં ગુજરાતની 19 પંચાયતો તથા 1 થી 100ના રેન્કમાં 54 પંચાયતો પસંદ પામી છે જે આપણા સૌ માટે ગૌરવ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં વધુને વધુ જળ સંચય થાય એ માટે સુજલામ સુફલામ જળસંચય અભિયાન ચાલી રહ્યું છે જે હેઠળના કામો તા. 31મી મે સુધીમાં પૂર્ણ કરવાના છે. આ માટે જિલ્લા પ્રભારી મંત્રીઓને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલનમાં રહીને આ કામો સમયસર પૂર્ણ કરવા પણ મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી છે. ભારતને પાંચ ટ્રિલિયન યુ.એસ. ડોલરની ઇકોનોમી બનાવવાના પીએમ મોદીના સ્વપ્નને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવશે. જેના માટે સૌ પ્રથમ ગુજરાતે નિવૃત્ત નાણા સચિવ ડૉ.હસમુખ અઢિયાના વડપણ હેઠળ ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટાસ્ક ફોર્સના અહેવાલમાં ગુજરાતનો GDP 8.3 ટકાથી વધારી 10 ટકા સુધી લઇ જવાના વિવિધ ઉપાયો સૂચવવામાં આવ્યા છે. નાણાકીય શિસ્તમાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત અગ્રેસર છે. ગુજરાત સૌથી ઓછુ 16 ટકા જાહેર દેવુ ધરાવતું રાજ્ય છે જ્યારે અન્ય રાજ્યો 22 થી 24 ટકા જાહેર દેવુ ધરાવે છે. ભારતને આગામી સમયમાં કેવી રીતે પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવી તેના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતે અત્યારથી ચોક્કસ રણનીતિ-રોડમેપ તૈયાર કર્યો છે.
મંત્રીએ મહેસૂલ વિભાગની વિગતો આપતાં જણાવ્યું હતું કે કચ્છમાં ભૂકંપ બાદ સરકારી જમીનમાં 20 હજાર મકાનો બાંધવામાં આવ્યા હતા. આ મકાનોના ટાઇટલ-માલિકી હકનો પ્રશ્ન હતો જે હલ કરવામાં આવ્યો છે. જેથી હવે અંદાજે એક લાખ લોકોને આ નિર્ણયનો લાભ મળશે.