રાજકોટ: રાજ્યમાં રાજકોટ સહિતના માર્કેટ યાર્ડમાં હોળી-ધૂળેટીના પર્વથી શાકભાજી સિવાયના કામકાજ બંધ છે. આગામી 2 એપ્રિલથી વિવિધ જણસીઓની હરાજી શરૂ થશે. ત્યારે શુક્રવારે રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરી, ટામેટા અને બટાકા સહિતની શાકભાજીની આવક થઈ હતી. જેમાં કાચી કેરીની 128 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં કાચી કેરી ખરીદીનો પ્રારંભ થયો હોવાથી કાચી કેરીના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યાં છે. શુક્રવારે એક મણ કાચી કેરીના ખેડૂતોને 550થી 850 રૂપિયા ભાવ મળ્યા હતા.
રાજકોટ માર્કેટ યાર્ડમાં શુક્રવારે સૌથી વધારે બટાકાના પાકની 3246 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 250 થી 550 રૂપિયાનો ભાવ મળ્યો હતો. યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. આ ઉપરાંત યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના 1450થી 2100 રૂપિયા મળ્યા હતા. શુક્રવારે લીંબુની આવક 282 ક્વિન્ટલ થઈ હતી. જ્યારે યાર્ડમાં ટામેટાની આવક 1250 ક્વિન્ટલ આવક થઈ હતી. ટમેટાના ભાવ 120થી 260 રૂપિયા એક મણનો બોલાયો હતો. ટામેટાની સાથે સાથે મરચાની 280 ક્વિન્ટલ આવક થઈ હતી. લીલા મરચાના ખેડૂતોને 500થી 1050 રૂપિયા ભાવ મળ્યા હતા. યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 105થી 320 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં સુકી ડુંગળીની 1860 ક્વિન્ટલ આવક થઈ હતી.
રાજકોટના મુખ્ય માર્કેટ યાર્ડમાં કામ કરતા કમિશન એજન્ટ, વેપારીઓ તરફથી વર્ષ 2023-24 ના વાર્ષિક હિસાબો પુરા કરવા માટે માર્કેટ યાર્ડમાં ખરીદી અને વેચાણનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજકોટ માર્કેટ યાર્ડ 2-4-2024 એટલે કે મંગળવારથી રાબેતા મુજબ ચાલુ થઈ જશે.