Site icon Revoi.in

ગુજરાતમાં દરિયા કાંઠા નજીક આવેલા 13 ટાપુઓનો પર્યટન સ્થળ તરીકે વિકાસ કરાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયાકાંઠો આવેલો છે. તેમજ દરિયા કાંઠા નજીક અનેક ટાપુ આવેલા છે. ઘણા ટાપુઓ નિર્જન છે. જ્યારે કેટલાક ટાપુઓ પર માનવ વસતી છે. જેમાં પીરોટન ટાપુ, શિયાળ સવાઈ ટાપુ, સહિત 13 જેટલા ટાપુઓ એવા છે.કે તેનો પર્યટન તરીકે સારોએવો વિકાસ થઈ શકે તેમ છે. આથી ગુજરાત સરકારે 13 ટાપુઓનો પર્યટન ટાપુ કરીકે વિકાસ કરવાનો નિર્ણય લીધો છે.

રાજ્યના પ્રવાસન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વિશ્વના પ્રવાસીઓને વધુ આકર્ષવા માટે દ્વારકા-બેટ દ્વારકા પછી ગુજરાતના જામનગર જિલ્લાના પીરોટન અને અમરેલી જિલ્લાના શિયાળ-સવાઇ ટાપુ(આઇસલેન્ડ)ઓને વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટાપુઓ પર સરકાર પ્રથમ તો ટાપુ સુધી પહોંચવાની વ્યવસ્થા કરશે અને તેની સાથે ત્યાં વિવિધ સુવિધાઓ ઊભી કરશે. ટાપુઓ પર વિવિધ પક્ષીઓની જાતિ અને દરિયાઇ વનસ્પતિઓનું આકર્ષણ હોવાથી તેને વિકસાવાશે. આવી રીતે પ્રવાસીઓને આકર્ષવા માટે ત્યાં પ્રવાસન સુવિધાઓ પણ ઊભી કરાશે
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં દરિયા કાંઠા નજીક  કુલ 144 ટાપુઓ છે, આ ટાપુ પૈકી 50 હેક્ટર જમીન હોય તેવા ટાપુઓને વિકસાવવાનું નક્કી કર્યુ છે. આ 50 હેક્ટર જમીનવાળા એટલે પસંદ કરવામાં આવ્યા છે કે દરિયાની ભરતીની અંદર આ ટાપુઓ પર ઊભી કરાયેલી સુવિધાઓ ધોવાઇ ન જાય. ઓછી જમીન હોય તો ત્યાં દરિયાની ભરતી વધે ત્યારે ટાપુ પર પાણી આવી જાય તો વિકસાવાયેલી સુવિધાઓને નુકસાન થવાની શક્યતા હોવાથી 50 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ટાપુઓને પસંદ કરવામાં આવ્યા નથી.
પીરોટન ટાપુમાં 99.78 હેક્ટર વિસ્તાર આવેલો છે. જામનગરના બેડી બંદરથી બોટ દ્વારા લગભગ દોઢેક કલાક પછી આ ટાપુ આવે છે. અહીંયાં પીવાનું પાણી પણ મળતું નથી, આમ છતાં આ ટાપુ પરની સુંદરતાને કારણે તેને વિકસાવવાનું નક્કી કર્યુ છે. પ્રથમ જેટી બનાવાશે અને અત્યારે જેટી ક્યાં બનાવવી તેનો સર્વે ચાલે છે. પીરોટનમાં લાઇટ હાઉસ છે. અહીંયાં જવા માટે નવેમ્બરથી માર્ચ મહિના સુધીનો સમય યોગ્ય કહેવાય છે,  અમરેલી જિલ્લાના શિયાળ સવાઇ ટાપુમાં 74 હેક્ટર જમીન છે અને ત્યાં રાજુલા પાસેના પીપાવાવ બંદર પાસેથી હોડીમાં જવાય છે. દ્વારકા જિલ્લાના કાળુભર,પાનેરો, અજાડ એટલે કે આઝાદ, ભાયદળ,ગાંધીયોકાડો, રોઝી, નોરા જેવા ટાપુઓને વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાના પીરમબેટ, આણંદ જિલ્લાના વાવલોદ સહિત 13 ટાપુ વિકસાવાશે.