મુંબઈઃ મહારાષ્ટ્ર પોલીસે નક્સલ વિરોધી અભિયાન અંતર્ગત ગઢચિરોલીમાં એક મોટા ઓપરેશનને અંજામ આપ્યું છે. રાજ્ય પોલીસની સી-60 યુનિટ દ્વારા એન્કાઉન્ટરમાં 13 નક્સલવાદીઓને ઠાર મરાયાં હતા. ગઢચિરોલી વન વિસ્તારના પટાપલ્લીમાં તેમના મૃતદેહ મળી આવ્યાં છે.
ગઢચિરોલીના ડીઆઈજી સંદીપ પાટિલે જણાવ્યું હતું કે, ઓપરેશન મહારાષ્ટ્ર પોલીસ માટે મોટી સફળતા છે. પોલીસ સાથેની અથડામણમાં અન્ય નક્સલવાદીઓના મોત થયા હોવાની પણ તેમણે સંભાવના વ્યક્ત કરી હતી.
- 13 મેના રોજ પણ એક મહિલા સહિત બે નક્સલી ઠાર કરાયાં હતા
ગત 13 મેના રોજ બે નક્સવાદીઓને ઠાર કરવામાં આવ્યાં હતા. ધનોરા તાલુકાના મોર્ચુલ ગામ નજીક જંગલ વિસ્તારમાં આ અથડામણ થઈ હતી. આ ઘટનાની પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર મોર્ચુલના જંગલમાં 25 નક્સલી ભેગા થયાં હતા. ઠાર મરાયેલા નક્સલીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. અથડામણ બાદ નક્સલીઓ જંગત તરફ ભાગી ગયા હતા. પોલીસે સમગ્ર વિસ્તારની તપાસ કરી હતી. નક્સલ સંબંધિત કેટલીક સામગ્રી પણ મળી આવી હતી.
ગઢચિરોલીમાં સુરક્ષા જવાનો ઉપરાંત સ્થાનિક રહીશો પણ નક્સવાદીઓના નિશાના ઉપર રહે છે. રાજ્યની પોલીસે આ નક્સલ પ્રભાવિત વિસ્તારમાં તેમના વિરોધ અભિયાન શરૂ કર્યું છે. આ વિસ્તારમાં ગ્રામજનો અને નક્સવાદીઓ વચ્ચે અવાર-નવાર સંઘર્ષની ઘટના સામે આવે છે. દેશમાં સુરક્ષા જવાનો દ્વારા નક્સલીઓ સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સરકારે સમગ્ર દેશમાં લગભગ 126 જિલ્લામાંથી 44 જિલ્લાને નક્સલ મુક્ત જાહેર કર્યાં છે. જેમાં આઠ નવા જિલ્લા પણ નક્સલ પ્રભાવિત વિસ્તારમાં સામેલ હતા.