વડોદરા: શહેરમાં હરણી તળાવમાં હોડી ડુબી જતાં શાળાના 13 બાળકો અને બે શિક્ષકો સહિત 15ના મોત નિપજતા હાહાકાર મચી ગયો છે. શહેરની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો હરણી તળાવ ખાતે પિકનિક માટે આવ્યા હતા. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં 13 બાળકો અને બે શિક્ષકો સહિત કુલ 15 મોત થયા છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ સહિત તંત્ર બચાવ કામગીરીમાં કામે લાગ્યું હતું. વાલીઓ પણ હરણી તળાવના કાંઠે એકઠા થઈ ગયા હતા. કરૂણ દ્રશ્યો જોઈને સૌ કોઈને આંખમાં આંસુ જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ દોડી આવ્યા હતા.
આ બનાવની વિગતો એવી છે. કે, વડોદરા શહેરના હરણી ખાતે શહેરની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો પિકનિક માટે આવ્યા હતા. દરમિયાન મોટનાથ તળાવની બોટમાં સફર કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં 13 બાળકો સહિત કુલ 15 ના મોત થયા છે. જેમાં બે શિક્ષક અને 13 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ફાયર વિભાગ દ્વારા 10 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા હતા. ફાયર વિભાગ ઉપરાંત NDRFની ટીમ દ્વારા પણ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ન્યુ સનરાઈઝ સ્કૂલની એક શિક્ષિકાએ દાવો કરતા જણાવ્યું છે કે, 82 જેટલા બાળકો હરણી તળાવની મુલાકાતે ગયા હતા. જેમાંથી બોટમાં બાળકો સહિત 30 જેટલા લોકો સવાર હતા. બનાવની જાણ થતાં ધારાસભ્ય યોગેશ પટેલ હોસ્પિટલે પહોંચ્યા હતા. આ ઉપરાંત વિધાનસભા દંડક, કલેક્ટર, પોલીસ કમિશ્નર, ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ બોટમાં ક્ષમતા વધુ વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા. લાઈફ જેકેટ વગર વિદ્યાર્થીઓને બોટમાં બેસાડ્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. પીપીપી ધોરણે 100 ટકા ઇજારદારના ખર્ચે કોન્ટ્રાક્ટ અપાયો હતો. એકપણ બોટનું ઈન્સ્પેક્શન થયું નથી, આ કેસમાં જવાબદાર અધિકારીઓ પર પણ કાર્યવાહી થવી જોઈએ.તેવી માગ પણ ઊઠી છે.