ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 130 કેદીઓ પણ આપશે, 4 પરીક્ષા કેન્દ્રો તૈયાર કરાયા
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા આગામી તા. 11 માર્ચથી શરૂ થશે. બોર્ડ દ્વારા પરીક્ષાની તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અને ધો. 10 અને 12ની પરીક્ષાને લઈને એક્શન પ્લાન જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં રેગ્યુલર અને રીપીટર વિદ્યાર્થીઓ સાથે જેલમાં રહેલા કેદીઓની પણ યાદી તૈયાર કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષામાં રાજ્યભરની જેલમાંથી 130 કેદીઓ પણ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે. જે માટે જેલના ચાર પરીક્ષા કેન્દ્રો પણ તૈયાર કરવામાં આવ્યા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા માટે એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ધો-10માં 84 ઝોનનાં 981 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. જેમાં ચાર જેલ કેન્દ્રો પર પણ પરીક્ષા યોજાશે. ધો-12 સામાન્ય પ્રવાહમાં 506 અને વિજ્ઞાન પ્રવાહ 147 કેન્દ્ર પર પરીક્ષા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. ધો-10માં 9,17,687 વિધાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં 1.65 લાખ વિદ્યાથીઓ રીપીટર તરીકે પરીક્ષા આપશે. ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં 1,11,549 વિદ્યાથીઓ પરીક્ષા આપશે. ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં 20,438 રીપીટર વિધાર્થીઓ નોંધાયા છે. ધો-12 સામાન્ય પ્રવાહમાં 48,9279 વિદ્યાથીઓ પરીક્ષા આપશે. ધો-12 સામાન્ય પ્રવાહમાં 74,547 રીપીટર વિધાર્થીઓ નોંધાયા છે.
ગુજરાતની જેલમાં બંધ કેદીઓ માટે પણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 11મી માર્ચથી લેવાનારી પરીક્ષામાં જેલોના 130 કેદીઓ પરીક્ષાર્થી તરીકે નોંધાયેલા છે. જે પૈકી ધોરણ-10 માટે 73 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે, જેમાં અમદાવાદમાં 27, વડોદરામાં 13, રાજકોટમાં 16 અને સુરતમાં 17 કેદીઓ પરીક્ષા આપશે. એવી જ રીતે ધોરણ-12 માટે 57 જેટલા કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે. જેમાં અમદાવાદમાંથી 28,વડોદરામાંથી 9, રાજકોટમાંથી 7 અને સુરતમાંથી 13 કેદીઓ પરીક્ષા આપશે.બોર્ડ દ્વારા અમદાવાદ મધ્યસ્થ જેલ, વડોદરા મધ્યસ્થ જેલ, રાજકોટ મધ્યસ્થ જેલ અને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી છે.