ધ્રાંગધ્રાઃ ઝાલાવાડ પંથકમાં સિંચાઈ માટે નર્મદાના પાણીની સુવિધા મળતા કૃષિ ઉત્પાદમાં સારોએવો વધારો થયો છે. જેમાં ધ્રાંગધ્રા અને હળવદનો વિસ્તાર તો નંદનવન સમાન બની ગયો છે. ખેડુતો ખરીફ. વિપાક, અને ઉનાળું પાક એમ ત્રણેય સીઝનમાં મબલખ ઉત્પાદ મેળવી રહ્યા છે. હાલ ઉનાળું પાકમાં તલનું ઉત્પાદન થતાં ખેડુતો તલ વેચવા માટે ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે. તલના ભાવમાં દિનપ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે તલના ભાવમાં ઐતિહાસિક ભારે તેજી સાથે 20 કિલોના ભાવ રૂ. 2800 બોલાતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા છે. ધ્રાંગધ્રા એપીએમસીમાં ઉનાળુ તલની 13,000 મણ જેટલી ભારે આવક જોવા મળી છે.
ધ્રાંગધ્રા પંથકમાં નર્મદાની સિંચાઈનો લાભ મળતા ખેત ઉત્પાદનમાં વધારો થયો છે. ત્યારે રવિ પાકનું પણ સારૂએવું ઉત્પાદન થયું હતુ. જ્યારે ઉનાળુ સીઝનમાં તલનું ઉત્પાદન પણ સારૂ એવું થયું છે. સાથે જ તલના ભાવમાં પણ ભારે તેજી જોવા મળી છે. અને ઐતિહાસિક વધારા સાથે તલના ભાવ 20 કિલોના રૂ. 2800 બોલતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. છેલ્લા 10 દિવસમાં તલમાં 20 કિલોના ભાવમા ઔતિહાસિક તેજી 400 રૂપિયા વધીને યાર્ડમાં 2600થી 2800 રૂપિયાના બોલાવા લાગ્યા છે. ખેડૂતોના કહેવા મુજબ ઉનાળુ તલના ભાવ સારા મળી રહ્યા છે. જ્યારે યાર્ડના વેપારીઓએ જણાવ્યું હતું કે, તલના ભાવમાં ઐતિહાસિક તેજી આવવાનું મુખ્ય કારણ ગુજરાતમાં આ વખતે તલનું ઉત્પાદન ઓછુ થયું છે, વેપારીઓ પાસે સ્ટોક નથી અને તલના ભાવ વધતાં અને વિદેશી માંગ દિન પ્રતિદિન વધતી હોવાથી તલના ભાવમાં તેજી આવી છે. હાલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં ઉનાળુ તલની જંગી આવક જોવા મળી છે. બહારથી પણ વેપારીઓ તલની ખરીદી માટે આવી રહ્યા છે.