ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 1348 શિક્ષકોની રૂપિયા 31340ના ફિક્સ પગારથી ભરતી કરાશે
અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાના સંચાલકો છેલ્લા ઘણા સમયથી શિક્ષકો અને આચાર્યોની ખાલી જગ્યાઓ પુરવાની માગ કરી રહ્યા છે. ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળે આ સંદર્ભે શિક્ષણ વિભાગને લેખિત રજુઆતો પણ કરી હતી. આખરે સરકારે નવી શિક્ષણ નીતિ પ્રમાણે ધોરણ 9 અને 10નો એક-એક વર્ગ ધરાવતી ગ્રાન્ટેડ સ્કૂલોમાં એક આચાર્ય અને ત્રણ શિક્ષકના મહેકમને નિયમિત કરવા 1348 શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની કેટલી ખાલી જગ્યા પડી છે તેનો અહેવાલ બે દિવસમાં રજૂ કરવા તાકીદ પણ કરી છે. આ જગ્યાઓ પર ભરતી ક્યારે થશે તેની જાહેરાત સરકારે કરી નથી, પણ તમામ જગ્યા રૂ. 31,340ના માસિક ફિક્સ પગારથી ભરવાનું નક્કી કર્યું છે.
રાજ્યના શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની 1348 ખાલી જગ્યાઓ માટે ફિક્સ પગારથી ભરવાની મંજુરી આપી દીધી છે. આ માટે આશરે 4.22 કરોડની નાણાકીય જોગવાઈ રાજ્ય સરકારે કરી છે. માધ્યમિક સ્કૂલોમાં એક આચાર્ય અને ત્રણ શિક્ષકોનું મહેકમ પૂરું કરવા માટે સરકારે નવી જગ્યા ઊભી કરી છે. આગામી સમયમાં આ જગ્યાઓ પર ભરતી કરવા માટે સરકારના પ્રવર્તમાન નિયમોને ધ્યાનમાં રાખીને ભરતી કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગે ધો. 1થી 8ની લોઅર પ્રાઇમરી અને હાયર પ્રાઇમરી સ્કૂલોમાં કેટલા શિક્ષકોની ખાલી જગ્યા છે તેની જાણકારી પણ માગી છે. આગામી સમયમાં સરકાર પરીક્ષા પાસ ઉમેદવારોની ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવા જઈ રહી છે. આવા સંજોગોમાં ખાલી જગ્યાની બે દિવસમાં યાદી મોકલવાની સરકારે તમામ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીઓને તાકીદ કરી છે. (File photo)