ગુજરાતમાં બુધવારે 136 તાલુકામાં પડ્યો વરસાદ, સુરતના કામરેજ અને પલસાણામાં 5 ઈંચથી વધુ
અમદાવાદઃ ગુજરાતમાં બુધવારે સવારે 6 વાગ્યથી સાંજના 6 વાગ્યા સુધી 136 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં સુરતના કામરેજમાં સાડાપાંચ ઈંચ, પલસાણામાં પાંચ ઈંચ, જનાગઢના વિસાદરમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમરેલીના કુકાવાવ વડિયા, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, તેમજ રાજકોટના ઉપલેટા સહિતના વિસ્તારોમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામ્યો છે.બુધવારે સવારના 6 વાગ્યા સુધી એટલે કે 24 કલાકમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ બારડોલીમાં આઠ ઈંચ પડ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતના 24 તાલુકામાં બે ઈંચથી લઈ આઠ ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. જ્યારે બુધવાર સવારથી બારડોલીમાં આઠ ઈંચથી વધુ વરસાદ નોંધાતા રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયાં હતા. બીજી બાજુ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં ગુરૂવારે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે..
રાજ્ય હવામાન વિભાગે બુધવારે રાજ્યના 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું હતુ. છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં 151 મિમી, મહુવામાં 139 મિમી, વાલોડમાં 137 મિમી, નવસારીમાં 130 મિમી, ગણદેવીમાં 111 મિમી, જલાલપોરમાં 102 મિમી સુધી વરસાદ નોંધાયો હતો. બુધવાર સવારથી આમદાવાદમાં આકાશ કાળાં ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યુ હતું અને સવારે એસજી હાઈવે, થલતેજ, ઇસ્કોન સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. જ્યારે ઇન્કમટેક્સ, ઉસ્માનપુરા, વાડજ, નવા વાડજ, આશ્રમ રોડ, એલિસબ્રિજ, રિવરફ્રન્ટ, જમાલપુર વિસ્તારમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો.
સુરત શહેરમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સુરતના ઉધના અને ડિંડોલી વિસ્તારના તમામ રસ્તાઓ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે માર્ગો પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં પાણી ભરાતા એક આઈસક્રીમની દુકાન અને ચાઈનીઝ ફુડ વેચનારની દુકાનની બહાર પાર્ક કરેલી બાઈક અને દુકાનની ખુરશીઓ પાણીમાં તણાયા હતા. બારડોલી પંથકમાં આઠ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેથી બારડોલી કડોદ માંડવીને જોડતો સ્ટેટ હાઈવે પ્રભાવિત થયો હતો. મુખ્યમાર્ગ પર પાણી ભરાઈ જતાં વાહન-વ્યવહાર ખોરવાયો હતો. બારડોલીથી કડોદ માર્ગ પર આવેલા રાયમ-વરાળ ગામે મુખ્યમાર્ગ ઉપર પાણી ફરી વળ્યાં હતાં. ગામના આસપાસની ખાડીઓ તેમજ ખેતરોમાંથી પાણી ઉભરાઈને આવતા મુખ્યમાર્ગ ઉપર કેડસમાં પાણી ભરાઈ ગયાં હતાં. જેથી વાહન-વ્યવહારને માઠી અસર જોવા મળી હતી. જ્યારે માલપુરના અણિયોર, અણિયોર કંપા, સુરાતન પુરામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજ્યમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો મહોલ જોવા મળ્યો હતો. બીજી બાજુ રાજ્ય હવામાન વિભાગે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, ડાંગ, તાપીમાં ભારે વરસાદ પડવાની તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ, પોરબંદર અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી હતી.