નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયએ ચાલુ નાણાકીય વર્ષમાં 13,813 કિમીના હાઇવેનું નિર્માણ કરીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સચિવ અનુરાગ જૈને તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, તેમના મંત્રાલયનો ધ્યેય 2027-28 સુધીમાં દ્વિ-લેન કરતા ઓછા રાષ્ટ્રીય ધોરીમાર્ગોને દૂર કરવાનો છે. માર્ચ 2012માં બે લેન કરતા ઓછા રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઈ 25,517 કિમી હતી, જે કુલ લંબાઈના 30.1 ટકા હતી. હાલમાં, ટુ-લેન NHs કરતાં ઓછી કુલ લંબાઈ 14,350 કિમી (કુલ લંબાઈના 9.8 ટકા) છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે નાણાકીય વર્ષ 2019-20માં 10,237 કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગો, 2020-21માં 13,327 કિમી, 2021-22માં 10,457 કિમી, 2022-23માં 10,331 કિમી. મંત્રાલયે ચાલુ નાણાકીય વર્ષમાં ડિસેમ્બર સુધી 6,216 કિમી NHનું નિર્માણ કર્યું છે, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 5,774 કિમી હતું. મંત્રાલયના સચિવ અનુરાગ જૈને વધુમાં જણાવ્યું હતું કે, માર્ગ મંત્રાલય ચાલુ નાણાકીય વર્ષમાં એસેટ મોનેટાઈઝેશન દ્વારા રૂ. 40,000 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે. આગળ જતા રોડ પ્રોજેક્ટ માટે વધુ ખાનગી રોકાણ થશે, એમ તેમણે જણાવ્યું હતું.