Site icon Revoi.in

સુરતમાં ઓવરસ્પિડિંગમાં વાહનો ચલાવતા 1383 ચાલકો દંડાયા

Social Share

સુરતઃ શહેરમાં રોજબરોજ ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. એમાં ઘણા વાહનચાલકોમાં ટ્રાફિક સેન્સના અભાવે ટ્રાફિકની સમસ્યા વધુ વકરતી હોય છે. આથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને અકસ્માતના બનાવો ઘટાડવા માટે તેમજ વાહન-ચાલકોનાં ટ્રાવેલિંગ-ટાઇમમાં ઘટાડો થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ઓવર સ્પિડિંગ કરતા 1383 વાહનચાલકોને પકડીને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત નો-પાર્કિંગમાં પાર્ક કરેલા વાહન-ચાલકો વિરૂધ્ધ 1465 કેસો કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

સુરત શહેરમાં ઘણી વખત રોંગ સાઈડમાં જતાં વાહન ચાલકોને કારણે અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. આ ઉપરાંત આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હોય છે, ત્યારે સુરત શહેરમાં પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં એક જ દિવસમાં નો-પાર્કિંગમાં પાર્ક કરેલા વાહન-ચાલકો વિરૂધ્ધ 1465 કેસો કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ લોકોને પબ્લિક એડ્રેસ સિસ્ટમ થકી માહિતી આપી જાગૃત પણ કરવામાં આવ્યા હતા. દરમિયાન ગતિ મર્યાદા કરતાં વધુ ગતિથી વાહન ચલાવતાં વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં શહેરમાં સૌથી વધારે સ્પીડ ગનથી સૌથી વધુ કેસ રીજીયન 1માં 607 કરાયા હતા. જ્યારે રીજીયન 2માં 341, રીજીયન 3માં 360, રીજીયન 4માં 75 કેસો કરવામાં આવ્યા હતા. વાહનચાલકોને નિયત મર્યાદા કરતા વધુ પૂરફાટ ઝડપે વાહનો ચલાવતા હોય કૂલ 1383 વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.

ટ્રાફિક પોલીસના સૂત્રોના કહેવા મુજબ આગામી સમયમાં પણ શહેર વિસ્તારની ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારૂ બને તે-સારૂ સ્પે.-ડ્રાઇવનું આયોજન કરી ટ્રાફિક નિયમભંગ કરતા વાહન-ચાલકો વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવશે.