Site icon Revoi.in

૧૩૯ વર્ષની કોંગ્રેસ હવે વેરવિખેર થઈ રહી છે, શા માટે? કેવી રીતે?

Social Share

(સુરેશભાઈ ગાંધી)

સાવ નિરાશ થઈને બેઠેલા મારા એક કોંગ્રેસી મિત્રને મેં પૂછ્યું, `આજે તમે આટલા નિરાશ અને ઢીલા કેમ દેખાઓ છો?’

તો મારા મિત્ર બોલ્યા, `જુઓને, એક સમયની ધરખમ ગણાતી અમારી કોંગ્રેસ હવે ખાલીખમ થવા બેઠી છે રોજેરોજ મિત્રો કોંગ્રેસ છોડતા જાય છે. એક સમયે આખા દેશમાં મૂળિયાં જમાવીને બેઠેલી આ કોંગ્રેસ વેરવિખેર કેમ થતી જાય છે એ જ મને સમજાતું નથી.’

મેં કહ્યું, `મિત્ર, કોંગ્રેસનો જ્યારે જન્મ થયો તે સમયે જ તેની જન્મકુંડળીમાં વેરવિખેર થઈ જવાના યોગો છે માટે.’

પણ તે કેવી રીતે?

મેં કહ્યું, એ સમજવા માટે તમારે કોંગ્રેસના સ્થાપના કાળથી શરૂ થતો ઇતિહાસ જાણવો પડશે. તમે મને કહો કે કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી?

મિત્ર બોલ્યા, મહાત્મા ગાંધીજીએ

મેં કહ્યું, ના, તમે સાવ ખોટું બોલ્યા છો. ગાંધીજી તો દક્ષિણ આફ્રિકામાંથી પરત ભારત આવી કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ ભારત આવ્યા ત્યારે કોંગ્રેસ તો હતી જ.

મિત્ર બોલ્યા, તો પછી ટિળક કે ગોખલેએ સ્થાપના કરી હશે.

મેં કહ્યું, આ પણ સાવ ખોટું છે. હકીકતમાં કોંગ્રેસની સ્થાપના કોઈ ભારતીય નેતાએ કરી જ નથી બલ્કે એક વિદેશીએ કરી હતી. કોંગ્રેસની સ્થાપના સર એલન ઓક્ટેવિયન હ્યુમ નામના એક નિવૃત્ત અંગ્રેજ અધિકારીએ કરી હતી. માત્ર ૨૦ વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડથી ભારત આવીને તે બંગાળની સિવિલ સર્વિસમાં જોડાયો હતો અને સન ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે એલન હ્યુમની ઉંમર ૨૬ વર્ષની હતી અને તે સમયે તે ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લાનો કલેક્ટર હતો. તમારે હ્યુમ વિશે વધારે જાણવું હોય તો વિલિયમ વેદરબર નામના અંગ્રેજ લેખકે એલન હ્યુમ વિશે લખેલું પુસ્તક વાંચવું જોઈએ. તેમણે પોતાના આ પુસ્તકમાં લખ્યું છે કે એલન હ્યુમનો જન્મ ૪ જૂન, ૧૮૨૯ના દિવસે બ્રિટનના સેન્ટ મેરી ક્રેય નામના ગામે થયો હતો. સન ૧૮૪૯માં માત્ર ૨૦ વર્ષની ઉંમરે તે બંગાળનો જિલ્લા મેજિસ્ટ્રેટ બની ભારત આવ્યો હતો. ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંઘર્ષ સમયે તે ઇટાવા જિલ્લાનો કલેક્ટર હતો. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામને કચડી નાખવા માટે આ એલન હ્યુમે ક્રાંતિકારીઓ સામે અત્યંત દમનકારી પગલાં લઈ અનેક ક્રાંતિકારી વીરોને ગોળીએ ઠાર માર્યા હતા. લોર્ડ કેનિંગના રિપોર્ટ અનુસાર આ એલન હ્યુમે ૧૮૫૭ની લડાઈમાં ૧૩૧ ભારતીય સિપાહીઓને મારી નાખેલા.

સર એલન હ્યુમનું બીજ એક પાસુ વીર સાવરકરે ૧૮૫૭ના ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે લખાયેલા તેમના પુસ્તકમાં જોવા મળે છે. વીર સાવરકરે લખ્યું છે કે, એલન હ્યુમ એક ડરપોક અધિકારી હતો. જ્યારે ૫૭ના યુદ્ધમાં સ્વાતંત્ર્યવીરોએ ઈટાવા પર કબજો જમાવ્યો ત્યારે ભારતીય સિપાહીઓનું પરાક્રમ જોઈને તે એટલો ડરી ગયો હતો કે તેણે પોતાના ગોરા શરીર પર કાળી મેંશ લગાવી પોતાની ચામડીનો રંગ ભારતીય જેવો બનાવી કોઈને જાણ ન થાય તે માટે સાડી પહેરી, માથે ઓઢી સુરક્ષા હેઠળ તે ઈટાવા છોડી ચૂપચાપ ભાગી ગયેલો. આ છે એલન હ્યુમનો ઇતિહાસ જેણે ભારતમાં પછીથી ભારતીય રાષ્ટીય કોંગ્રેસની સ્થાપના કરી હતી.

એક વિદેશી કોંગ્રેસની સ્થાપના કરે છે

સન ૧૮૮૩માં એલન હ્યુમે સરકારી નોકરીમાંથી રાજીનામું આપી ઇંગ્લેન્ડ પરત જવાને બદલે તેમણે ભારતમાં જ રહી જવાનો નિર્ણય કર્યો. તે ભારતમાં એક રાજકીય મંચ બનાવી ભારતના લોકોને આ મંચ પર લાવવા માગતો હતો. કારણ કે ૧૮૫૭ જેવો અંગ્રેજો વિરુદ્ધ બીજો સંગ્રામ ભારતમાં ન થાય અને અંગ્રેજોને ભારતમાંથી ભાગવું ન પડે તે માટે બ્રિટીશરોની કૂટનીતિ મુજબ આવા એક રાજકીય મંચની યોજના વિચારાઈ હતી. આ યોજનાના બે હેતુઓ હતા. (૧) મેકોલેની અંગ્રેજી શિક્ષણ પદ્ધતિમાંથી તૈયાર થયેલા અંગ્રેજ ભક્ત ભારતીય લોકોનું સંગઠન કરવું અને (૨) આ અંગ્રેજ ભક્તોને એક રાજકીય મંચ આપવો જેના પર આવી તેઓ રાજકીય માગણીઓ મુકે અને પ્રસ્તાવો પારિત કરે. જેથી પ્રેશરકૂકરના સેફ્ટી વાલ્વની જેમ ભારતીય લોકોનો અસંતોષ વરાળરૂપે બહાર નીકળી જાય. પરિણામે ભારતમાં અંગ્રેજો વિરુદ્ધ ફરીથી વિદ્રોહ ન થાય. આમ બ્રિટીશરોની યોજના મુજબ સર એલન હ્યુમે સન ૧૮૮૫માં ભારતીય રાષ્ટીય કોંગ્રેસની મુંબઈમાં સ્થાપના કરી.

અંગ્રેજ ભક્ત વ્યોમેશચંદ્ર કોંગ્રેસ પ્રમુખ બને છે

હવે આ એલન હ્યુમની ચતુરાઈ તો જુઓ તેમણે કોંગ્રેસના પ્રમુખ પદે એક ઘોર અંગ્રેજભક્તને બેસાડી દીધા. જેમનું નામ છે વ્યોમેશચંદ્ર બેનરજી. આમ તો આ એડવોકેટ સજ્જન બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા પણ તેઓ અંગ્રેજી સંસ્કૃતિથી ભારે પ્રભાવિત થઈ અંગ્રેજી શાસનના કટ્ટર ભક્ત બની ગયેલા. સન ૧૮૭૪માં તેમણે પોતાની નિરક્ષર પત્ની હેમાંગીની અને પોતાના ત્રણ સંતાનોને લંડન મોકલી તેમને સંપૂર્ણ રીતે અંગ્રેજી જીવન જીવતા કરી નાખેલા. આ દરમિયાન જ વ્યોમેશચંદ્રના પરિવારે સનાતનધર્મ ત્યજી ખ્રિસ્તીપંથનો સ્વીકાર કરેલો. તેઓ હિન્દુ જીવન પદ્ધતિના એટલા તો વિરોધી બની ગયેલા તેમણે પોતાના પરિવારજનોને સૂચના આપેલી કે, તેમના અવસાન બાદ કોઈ પણ પ્રકારની હિન્દુ ધાર્મિકવિધિ તેમની પાછળ કરવામાં ન આવે. આવા વ્યોમેશચંદ્ર બેનરજીમાં કોંગ્રેસના અધ્યક્ષ બનવા માટેની તમામ લાયકાતો એલન હ્યુમને દેખાતાં તેમને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવેલા.

કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મુંબઈની ગોકુલદાસ કોંલેજના સભાગૃહમાં ૨૮ ડિસેમ્બર, ૧૮૮૫ના દિને યોજાયું. આપણે એવું માનવાની જરૂર નથી કે પ્રથમ અધિવેશનમાં આઝાદી માટેનો કોઈ મુદ્દો ચર્ચાયો હશે. તે સમયે યોજાતા તમામ અધિવેશનોમાં બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યેની અપાર નિષ્ઠા જ છલકતી હતી. અધિવેશનના પ્રારંભમાં ઇંગ્લેન્ડના રાજા ઘણું જીવો (Long live the king)નું રાષ્ટગીત ગાવામાં આવતું. બધા ડેલીગેટસ આનંદ અને ગર્વભેર ઇંગ્લેન્ડના રાજા માટે ઘણું જીવોની પ્રાર્થના કરતા અને અધિવેશનના સમાપનમાં Three Cheers for her Majesty, The Queen Empress નો બુલંદ નારો લગાવવામાં આવતો અને ઉપસ્થિત તમામ ડેલિગેટસ ખૂબ ઉત્સાહપૂર્વક રાણી વિક્ટોરિયાનો જયજયકાર બોલાવતા. આ પ્રથા સન ૧૯૧૧ સુધી ચાલતી રહી. બ્રિટિશ શાસકોનો હંમેશાં આગ્રહ રહેતો કે, કોંગ્રેસના અધિવેશનોમાં હિન્દુ પ્રતિનિધિઓની સાથે સાથે મુસ્લિમ પ્રતિનિધિઓ પણ આવવા જોઈએ. આમ લઘુમતી તુષ્ટીકરણના બીજ બ્રિટીશરોએ ખૂબ ચાલાકીપૂર્વક કોંગ્રેસમાં રોપી દીધેલાં. અંગ્રેજી શાસકોના આગ્રહને કારણે કોંગ્રેસી નેતાઓને દર વર્ષે યોજાતા અધિવેશનમાં મુસ્લિમ ડેલીગેટસને લાવવા પડતા. તે સમયના પ્રખર કોંગ્રેસી નેતા સુરેન્દ્રનાથ બેનરજી પોતાના એક પુસ્તકમાં લખે છે કે, સન ૧૮૮૯માં યોજાયેલા અલાહાબાદ અધિવેશનમાં મુસ્લિમ ડેલીગેટસ ઓછા પડતા હતા. ડેલીગેટસ અંગે નિયમ એવો હતો કે દર ત્રણ ડેલીગેટસ પૈકી એક ડેલીગેટ મુસ્લિમ હોવો જોઈએ, પરંતુ કોંગ્રેસી નેતાઓને પૂરતા મુસ્લિમ ડેલીગેટસ ન મળતાં આખરે એક પ્રિન્ટગ પ્રેસના બે મશીનમેનોને ડેલીગેટસ બનાવી અધિવેશનમાં શોભે તેવાં કપડાં પહેરાવી લઈ જવા પડ્યા હતા.

કોંગ્રેસ અધિવેશનમાં ભારતીય શબ્દ સામે વિરોધ ઉઠ્યો

સન ૧૮૮૫થી શરૂ થયેલી કોંગ્રેસમાં બધુ સમેસુતર ચાલતું હતું તેવું માનવાની જરૂર નથી. કોંગ્રેસના પ્રારંભનાં અધિવેશનોમાં ક્યાંય ભારતની સ્વતંત્રતાનો વિચાર સુદ્ધાં થતો ન હતો. માત્ર બ્રિટીશ શાસનને ખુશ રાખવાના પ્રયાસો જ થતા હતા. સન ૧૮૮૮માં લખનૌમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું, તેમાં સૌ પ્રથમ વાર સર સૈયદ અહમદખાને વિચિત્ર પ્રકારનો વિરોધનો સૂર છેડ્યો. સર સૈયદ અહમદખાન પોતાનાં ભાષણમાં Indian National Congress જેવા નામમાં રહેલાં National (રાષ્ટીય) શબ્દ સામે વિરોધ દર્શાવી બોલ્યા કે આ રાષ્ટીય કોંગ્રેસ એટલે શું? અલગ અલગ જાતિઓના અને અલગ અલગ ધર્મોના જે લોકો ભારતમાં રહે છે. તેઓ એક રાષ્ટના લોકો છે તેવું હું માનતો નથી. કોંગ્રેસ ભારતને એક રાષ્ટ માને છે તે કોંગ્રેસનો હું વિરોધ કરું છું બસ, અહીંથી એટલે કે કોંગ્રેસની સ્થાપના પછી માત્ર ત્રણ જ વર્ષમાં કોંગ્રેસના નામમાં રહેલા રાષ્ટીય (National) શબ્દ બાબતે વૈચારિક મતભેદ શરૂ થયો. આમ, કોંગ્રેસમાં વેરવિખેર થવાનાં અંકુરો તેના સ્થાપના કાળથી જ ફૂટ્યાં હતાં. સર સૈયદ અહમદખાને મુકેલા વિચારની પાછળ અંગ્રેજોનાં કૂટીલ ભેજાં કામ કરી રહ્યાં હતાં તેવું માનવા ચોક્કસ પુરાવાઓ મળે છે. સન ૧૮૮૪માં ભારતમાં ઉચ્ચ અધિકારી પદે રહેલા સર જ્હોન સ્ટ્રેચી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભાષણ કરતી વખતે બોલેલા કે ભારત નામનો કોઈ એક દેશ છે જ નહીં. તેમાં અલગ અલગ દેશો સમાયેલા છે.

તૈયબજી એ કહ્યું હિન્દુસ્થાનમાં અનેક રાષ્ટો છે

તેનાથી પણ વધુ દુઃખદાયક અને વિવાદી ભાષણ તો સન ૧૮૮૭માં મદ્રાસમાં મળેલા કોંગ્રેસ અધિવેશનમાં અધ્યક્ષ બદરૂદ્દીન તૈયબજીએ કર્યું હતું. અધિવેશનના અધ્યક્ષ તરીકે પોતાના અધ્યક્ષીય ભાષણમાં તેઓ બોલેલા કે, `હિન્દુસ્તાનમાં અનેક રાષ્ટો છે. દરેકને પોતાની સમસ્યા છે પણ કેટલીક સહિયારી સમસ્યાઓનો વિચાર કરવા માટે આપણે કોંગ્રેસ અધિવેશનમાં ભેગા થયા છીએ. આમ કોંગ્રેસમાં ભારત રાષ્ટ, ભારતીયતા અને રાષ્ટીયતા વિશેની કલ્પના પહેલાંથી જ દોષપૂર્ણ હતી માટે જ કોંગ્રેસમાં રહેલા વિશુદ્ધ દેશભક્ત લોકો કોંગ્રેસમાં વ્યાપી રહેલા આ પ્રકારના દુષિત વાતાવરણમાં ગુંગળામણ અનુભવી રહ્યા હતા. પરિણામે કોંગ્રેસમાં રાજભક્ત અને રાષ્ટભક્ત પ્રકારનાં બે વૈચારિક જૂથો ધીમે ધીમે આકારે લઈ રહ્યાં હતાં. પરિણામ એ આવવા લાગ્યું કે કોંગ્રેસ ધીમી ગતિએ પણ ભંગાણના માર્ગે જવા માંડી હતી. પણ પ્રગટપણે કોંગ્રેસનું વૈચારિક ભંગાણ તો ૧૯૦૭માં ગુજરાતના સુરત મુકામે યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં જોવા મળ્યું. જેની વિગતવાર ચર્ચા આપણે `રિવોઈ’ માં કરીશું.’ અસ્તુ…

(લેખકશ્રી સાધના સાપ્તાહિકના ટ્રસ્ટી છે.)