અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ સંલગ્ન એમઈ, એમબીએની 14 કોલેજોમાં અપૂરતા અધ્યાપકો હોવાથી તેમજ કાયમી પ્રિન્સિપાલની ભરતી ન કરી હોવાથી નોટિસ ફટકારી છે. સાથે જ આ કોલેજોની 25 ટકા બેઠકો પર કાપ મૂક્યો છે. જે કોલેજો ચાર મહિનામાં નિયત ધારાધોરણ મુજબ શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવાની બાંહેધરી આપે અને કોલેજો પાંચ લાખનો દંડ ભરશે તો તેમની બેઠકોમાં કાપ મૂકવાનો નિર્ણય પાછો ખેંચવામાં આવશે.
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ ગત ફેબ્રુઆરીમાં આ કોલેજોને નિયત ધારા ધોરણ મુજબ અધ્યાપકો અને કાયમી પ્રિન્સિપાલની ભરતી કરવા માટેનો લેખિતમાં આદેશ આપ્યો હતો. તેમ છતાં આ કોલેજોએ જીટીયુના આદેશની ધરાહર અવગણના કરી હતી. જે અંતર્ગત અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, ક્ચ્છમાં આવેલી એમઈની સાત અને એમબીએની સુરત, રાજકોટ, આણંદ, કલોલ, હિંમતનગરમાં આવેલી સાત મળીને કુલ 14 જેટલી કોલેજોની સામે જીટીયુએ શિક્ષાત્મક કાર્યવાહી કરી છે. વિદ્યાર્થીઓને રોજગારીની તકો પૂરી પાડતી ટેકનિકલ કોર્સનું પ્રશિક્ષણ આપતી કોલેજોમાં શૈક્ષણિક ગુણવત્તામાં દિન પ્રતિદિન વધારો થાય તે માટે જીટીયુ સતત પ્રયત્નશીલ છે. આ કવાયતના ભાગરૂપે જીટીયુએ ડિપ્લોમા, એમઈ, એમબીએની કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે વારંવાર તાકીદ કરી કરવામાં આવી હતી. તેમ છતાં આ કોલેજ, સંસ્થાઓ ભરતી ન કરતા હોવાતી તેમની સામે આ કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું જીટીયુના કુલપતિ ડો. નવીન શેઠે જણાવ્યું હતું.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, જીટીયુએ અગાઉ રાજ્યભરમાં આવેલી 10થી વધુ ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં અપૂરતા શૈક્ષણિક સ્ટાફના મુદ્દે નોટિસ ફટકારી હતી. તેમ છતાં ભરતી ન કરાતા આ સંસ્થાઓમાં 25 ટકા બેઠકોના કાપના હિસાબે 500 જેટલી બેઠકો પણ ઘટાડવામાં આવી હતી. જે ડિપ્લોમા ઈજનેરી કોલેજોને નોટીસ ફટકારવામાં આવી હતી તેમાં મુખ્યત્વે જૂનાગઢ, મહેસાણા, વડોદરા, સુરત, સાબરકાંઠા, કચ્છ સહિતના વિસ્તારોમાં આવેલી કોલેજોનો સમાવેશ થાય છે.