Site icon Revoi.in

સુરતના ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઈંચ વરસાદ, ભરૂચના નેત્રંગમાં 7 ઈંચ, નદી-નાળાં છલકાયાં

ભારે વરસાદથી નદીઓએ ભયજનક
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામતો જાય છે. આજે બપોર સુધીમાં 124થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. સુરતના ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઈંચ જેટલો વરસાદ પડતા આખોયે વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો. આ ઉપરાંત ભરૂચના નેત્રંગમાં પણ 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે નર્મદાના ગરૂડેશ્વરમાં 6 ઈંચ, નાંદોદમાં 5 ઈંચથી વધુ, તિલકવાડામાં ત્રણ ઈંચ, તેમજ શિનોર સહિત 55 તાલુકામાં ઝાપટાથી ળઈને 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

સુરતના ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગથી જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ હતી. માત્ર બે કલાકમાં 4 ઈંચ વરસાદ પડ્યા બાદ કલાકોના વિરામ બાદ બે કલાકમાં 10 ઈંચ વરસાદ પડ્યો હતો, આમ ચાર કલાકમાં 14 ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા હતા. જેથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. જ્યારે ભરૂચના નેત્રંગમાં ધોધમાર 7 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અમરાવતી નદી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે. આ ઉપરાંત નર્મદાના ગરુડેશ્વરમાં પણ સવારે બે કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો.  મોવીથી ડેડીયાપાડાના રસ્તા ઉપર યાલ ગામ નજીક નાળું અને રસ્તો ધોવાતા રસ્તો બંધ થયો છે. જેથી વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના કેટલાક રસ્તા પર પાણી ભરાતા બંધ થયા હતા.

પંચમહાલ જિલ્લામાં ગોધરા સહિત શહેરા, કાલોલ, ઘોઘંબા, હાલોલ, જાંબુઘોડા વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. મધ્યરાત્રિએ વરસેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. ગોધરા શહેરના મુખ્ય સેશન કોર્ટ વિસ્તાર, જિલ્લા પંચાયત તેમજ અનેક રહેણાંક વિસ્તાર તેમજ સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.  નેત્રંગ પંથકમાં અનરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. માત્ર ચાર કલાકમાં 6 ઇંચ વરસાદ વરસતા અનેક નદી નાળા છલકાયા છે. અમરાવતી નદી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે. આ ઉપરાંત નદી કિનારે આવેલી સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાયા છે. ધોધમાર વરસાદના પગલે જનજીવન પર વ્યાપક અસર પહોંચી છે. વિવિધ માર્ગો પણ બંધ થયા છે.