ક્વેટા: પાકિસ્તાનથી આઝાદી માંગી રહેલા બલૂચિસ્તાનના ઓરમારા વિસ્તારમાં મકરાન કોસ્ટલ હાઈવે પર બસમાંથી પ્રવાસીઓને ઉતારીને અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા ગોળી મારી દેવાની ઘટના બની છે. અજાણ્યા બંદૂકધારીઓએ 14 લોકોને ગોળીએ વિંધ્યા છે.
પાકિસ્તાની નૌસેનાના પ્રવક્તા મુજબ, બોઝી ટોપ નજીક બનેલા હત્યાકાંડમાં પાકિસ્તાની નેવીનો એક અધિકારી પણ માર્યો ગયો છે. બલુચિસ્તાનના ગૃહ સચિવ હૈદર અલીએ કહ્યુ છે કે હુમલાખોરોની સંખ્યા લગભગ બે ડઝન જેટલી હતી અને તેમણે કેમોફ્લેજ યુનિફોર્મ પહેર્યો હતો.
તેમણે હ્યુ છે કે મકરાન કોસ્ટલ હાઈવે પર બસોને રોકવામાં આવી અને 14 લોકોને ગોળી મારી દેવાઈ. ઓરમારાથી કરાચી ખાતે ચાર વાહનો જઈ રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી.
બલૂચિસ્તાનના ગૃહ પ્રધાન મિર ઝિયા લાંગોવે કહ્યુ છે કે આ આખી ઘટનાની મોટાપાયે તપાસ શરૂ કરવામાં આવી છે અને હુમલાખોર બંદૂકધારીઓનું પગેરું દબાવવાની કોશિશ થઈ રહી છે. તેમણે કહ્યુ છે કે આવી ઘટનાને ચલાવી લેવાય નહીં અને આવો જઘન્ય હુમલો કરનારા આતંકવાદીઓને બક્ષવામાં નહીં આવે.
મૃતદેહોને ઓરમારાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મહત્વપૂર્ણ છે કે એક અઠવાડિયાથી ઓછા સમયમાં આઠ હઝારા સહીત 21 લોકો ક્વેટાની હઝારાગંજી શબ્જી માર્કેટ ખાતેના વિસ્ફોટમાં માર્યા ગયા હતા. આ વિસ્ફોટમાં અન્ય 48 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ 14 લોકોની હત્યાની ઘટનાને વખોડીને અહેવાલ માંગ્યો છે.