Site icon Revoi.in

લો બોલો, પાકિસ્તાનની કોર્ટમાં બે આરોપી સાથે 14 વાનરોને રજુ કરાયાં

Social Share

નવી દિલ્હીઃ આર્થિક સંકટનો સામનો કરતા પાકિસ્તાનમાં એક હાસ્યાસ્પદ ઘટના સામે આવી છે. કરાચીમાં જાનવરોની તસ્કરીના કેસમાં ઝડપાયેલા બે આરોપીઓને તપાસનીશ એજન્સીએ કોર્ટમાં રજુ કર્યાં હતા. એટલું જ નહીં આરોપીઓની સાથે 14 વાનરોને પણ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. બંને આરોપીઓને કપિરાજોની તસ્કરીના કેસમાં જ ઝડપી લેવામાં આવ્યા હતા. કરાચીની કોર્ટમાં આરોપીઓ સાથે રજુ કરાયેલા વાનરો પૈકી એક ભાગી જતા કોર્ટ સંકુલમાં નાસભાગ મચી ગઈ હતી. કોર્ટમાં હાજર કર્મચારીઓએ ભાગેલા વાંદરાને ઝાડ પરથી નીચે ઉતારવાનો પ્રયાસ કર્યા હતા.

પાકિસ્તાન સિંધ વન્યજીવન વિભાગના વડા જાવેદ મહારે જણાવ્યું હતું કે, “વાંદરાઓને બોક્સમાં ખરાબ હાલતમાં રાખવામાં આવ્યા હતા. તેઓ ભાગ્યે જ શ્વાસ લઈ શકતા હતા.” પાકિસ્તાનમાં જંગલી પ્રાણીઓનો વેપાર કે પાળવા ગેરકાયદેસર છે. તેમ છતાં કાયદાની નિયમિત અવગણના કરવામાં આવે છે. પાકિસ્તાનમાં વિદેશી પાલતુ પ્રાણીઓનું વિશાળ બજાર છે. અહીં, ગ્રાહકોને આકર્ષવા માટે, તેઓ ઘણીવાર શેરીમાં મનોરંજન કરનારાઓને તેમની સાથે રાખે છે, જેને માદ્રી કા ખેલ કહેવામાં આવે છે. આ સિવાય વાંદરાઓને ચોરી કરવાની પણ તાલીમ આપવામાં આવે છે.

પાકિસ્તાનની કોર્ટે આરોપી પર 100,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વાંદરાઓને કરાચી પ્રાણીસંગ્રહાલયને સોંપવાનો આદેશ આપ્યો છે. વાઇલ્ડ લાઇફ અધિકારીઓએ આરોપીઓ દ્વારા વાંદરાઓ સાથે કરેલા કામની ટીકા કરી હતી. વન્યજીવન અધિકારી મહારે જણાવ્યું હતું કે, “વાંદરાઓ જ્યાંથી પકડાયા હતા ત્યાંથી તેમના કુદરતી રહેઠાણમાં પાછા ફરવા જોઈએ.”  વર્ષ 2020માં દેશની એક અદાલતે દેશની રાજધાનીમાં એકમાત્ર પ્રાણી સંગ્રહાલયની ખરાબ સ્થિતિને કારણે તેને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાનના પ્રાણી સંગ્રહાલય તેમની નબળી સુવિધાઓ માટે કુખ્યાત છે. વન્યજીવન અધિકારીઓ આ માટે પ્રાણી સંગ્રહાલયની ટીકા કરે છે.

(Photo-File)