Site icon Revoi.in

અમદાવાદમાં 14 નવા ગાર્ડન અને 10 અર્બન ફોરેસ્ટ બનાવાશેઃ શહેરને લીલુછમ બનાવવાનું આયોજન

Social Share

અમદાવાદઃ શહેર વસતી વધારા સાથે ક્રોંક્રિટનું જંગલ બની રહ્યું છે. અને છેલ્લા વર્ષોમાં મેટ્રો ટ્રેન, બીઆરટીએસ તેમજ બીજા અનેક વિકાસના કાર્યોને લીધે હજારો વૃક્ષોનું નિકંદન નિકળી ગયુ છે. ત્યારે શહેર ફરીવાર લીલુછમ બનાવવા માટે મ્યુનિ.કોર્પોરેશને શહેરમાં 14 નવા ગાર્ડન અને 10 અર્બન ફોરેસ્ટ બનાવવાનો નિર્ણય લીધે છે.  જો મ્યુનિ.કોર્પોરેશનની યોજના સફળ રહી તો, આગામી એક વર્ષ બાદ અમદાવાદનું કોંક્રિટ જંગલ ફરીથી હરીયાળીમાં ફેરવાશે અને ઉનાળામાં પડતી કાળઝાળ ગરમીથી મહદ્દઅંશે રાહત મળશે. મ્યુનિ.એ વર્ષ 2022-23માં શહેરભરમાં 14 નવા ગાર્ડન અને 10 નવા અર્બન ફોરેસ્ટ ઊભા કરવાની યોજના બનાવી છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સાત ઝોનમાં 24 નવા અર્બન જંગલ અને ગાર્ડન ઊભા કરવાનું પ્લાનિંગ કર્યું છે. 10માંથી ત્રણ અર્બન ફોરેસ્ટ ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતા, શિલજ અને સિંધુ ભવન રોડ પર હશે. ચાર નવા ગાર્ડન  શિલજ, બોપલ અને છારોડીમાં બનાવાશે, વાયુ પ્રદૂષણ ઓછું થશે. અને શહેરની સુંદરતામાં પણ વધારો કરશે. શહેરના સાયન્સ સિટીમાં આવેલા ગાર્ડનોની લાઈનમાં જ મોટાભાગના ગાર્ડન અને અર્બન ફોરેસ્ટ વિકસિત કરાશે. જ્યાં મેડિટેશન એરિયા, ઓપન જિમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, યોગ સેન્ટર અને વોકઅવે હશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાગ-બગીચાઓમાં મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને અર્બન ફોરેસ્ટમાં વૃક્ષો વાવશે. આ ટેકનિકમાં, વિવિધ દેશી પ્રજાતિઓના છોડને એકબીજાની નજીક રોપવામાં આવે છે અને માત્ર ઉપરની તરફથી જ સૂર્યપ્રકાશ મેળવે છે, બાજુની તરફ વધવાને બદલે તે ઉપર તરફ વધે છે. પરિણામરૂપે, વાવેતર સામાન્ય કરતા 30 ગણું ઘન બને છે, 10 ગણું ઝડપથી વધે છે અને ત્રણ વર્ષ પછી મેન્ટેનન્સથી મુક્ત બને છે. મ્યુનિ.એ હાલના પ્લાન્ટેશન પ્રોજેક્ટમાં મિયાવાકી ટેકનિક અપનાવી હતી, જેના સારા પરિણામ મળ્યા છે. હાલમાં, શહેરમાં 80 ગાર્ડન અને પાર્ક છે.