મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માતમાં 14 વ્યક્તિના મોત, કેન્દ્ર સરકારે જાહેર કરી સહાય
ભોપાલઃ મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક પિક-અપ વાન પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. બડઝરના ઘાટમાં પિક-અપ વાનના ચાલકો ગાડી પર કાબૂ ગુમાવતા વાન પલટી ગઈ હતી. જેના કારણે 6 પુરૂષ અને 8 મહિલાઓના મોત થયા હતા. મળતી માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો એક પ્રસંગમાં હાજરી આપ્યા બાદ ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. તો આ ઘટના બાદ તમામ ઈજાગ્રસ્તોને શાહપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર ચાલી રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું હતું કે, “મધ્યપ્રદેશના ડિંડોરીમાં જે માર્ગ અકસ્માત થયો તે ખૂબ જ દુઃખદ છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. ભગવાન તેમને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે. આ સાથે જ હું ઘાયલ થયેલા તમામ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ સહાય કરવા તત્પર છે.
દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ડિંડોરીમાં માર્ગ અકસ્માતના ભોગ બનેલા લોકો માટે એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી એક્સ-ગ્રેશિયા તરીકે રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે અને ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું હતું કે, “એક્સ-ગ્રેશિયા તરીકે મધ્યપ્રદેશના ડિંડોરીમાં દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂપિયા 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000ની સહાય આપવામાં આવશે.