Site icon Revoi.in

CAA હેઠળ 14 લોકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર એનાયત કરાયાં

Social Share

નવી દિલ્હીઃ દેશમાં નાગરિકતા સંશોધન કાયદા હેઠળ 14 લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે બુધવારે આ માહિતી શેર કરી હતી. મંત્રાલયે કહ્યું કે, CAA હેઠળ 14 લોકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

નાગરિકતા (સુધારા) નિયમો, 2024 ની સૂચના જારી થયા પછી પ્રથમ વખત નાગરિકતા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ નવી દિલ્હીમાં કેટલાક અરજદારોને નાગરિકતા પ્રમાણપત્રો આપ્યા હતા. આ પ્રસંગે, ગૃહ સચિવે, અરજદારોને અભિનંદન આપતા, નાગરિકતા (સુધારા) નિયમો, 2024 ના મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

ભારત સરકારે 11 માર્ચ, 2024 ના રોજ નાગરિકતા (સુધારા) નિયમો, 2024 ને સૂચિત કર્યા હતા. આ નિયમોમાં, અરજી કરવાની પદ્ધતિ, ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટી (DLC) દ્વારા અરજી ફોરવર્ડ કરવાની પ્રક્રિયા અને રાજ્ય લેવલ એમ્પાવર્ડ કમિટી (EC) દ્વારા અરજીઓની ચકાસણી અને નાગરિકતા પ્રદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ નિયમોના અમલમાં આવ્યા પછી, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયના વ્યક્તિઓ પાસેથી અરજીઓ પ્રાપ્ત થઈ છે જેઓ 31.12.2014 સુધી ધાર્મિક દમન અથવા તેના ભયને કારણે ભારત આવ્યા હતા.