Site icon Revoi.in

ગાંધીનગર સિવિલના 14 પ્રાધ્યાપકોની વડનગરની મેડિકલ કોલેજમાં ઈન્સ્પેક્શનને લીધે બદલી કરાઈ

Social Share

ગાંધીનગરઃ ગુજરાતની ઘણીબધી મેડિકલ કોલેજોમાં પુરતો ટીચિંગ સ્ટાફ હોતો નથી. કારણ કે યુજીસી અને મેડિકલ કાઉન્સિલના નોર્મ્સ મુજબ ક્વોલીફાઈડ તબીબી અધ્યાપકો મળતા નથી. સરકારી મેડિકલ કોલેજોમાં જ્યારે કાઉન્સિલનું ઈન્સ્પેક્શન આવતું હોય ત્યારે અન્ય કોલેજોમાંથી તબીબી અધ્યાપકોની બદલીઓ કરીને જે કોલેજમાં ઈન્સ્પેક્શન થવાનું હોય તે કોલેજમાં બદલી કરવામાં આવતી હોય છે. આવો સિલસિલો વર્ષોથી ચાલ્યો આવે છે. વડનગરની મેડિકલ કોલેજમાં એમસીઆઈનું ઈન્સ્પેક્શન આવી રહ્યું છે. તેના લીધે ગાંધીનગર સિવિલના 14 તબીબી પ્રાધ્યાપકોની વડનગર બદલી કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગાંધીનગરની  સિવિલ હોસ્પિટલને વર્લ્ડ ક્લાસ બનાવવાની વાતો કરવામાં આવી રહી છે.  સિવિલમાં આવતા દર્દીઓ માટે હેલ્પ સેન્ટર ઉભુ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ દર્દીઓને સારવાર આપતા તબીબોની અછત ઉભી કરવામાં આવી રહી છે. વડનગરની મેડિકલ કોલેજમાં ઇન્સ્પેક્શન આવતુ હોવાથી ગાંધીનગરથી 8 પ્રાધ્યાપક અને 6 મદદનીશ પ્રાધ્યાપકની બદલી કરવામાં આવી છે.  રાજ્યની જીએમઇઆરએસ મેડીકલ કોલેજમાં ઇન્સ્પેક્શન આવતુ હોય ત્યારે તે કોલેજમાં પુરતો સ્ટાફ બતાવવા માટે અલગ અલગ કોલેજમાંથી તબીબોની બદલી કરી દેવામાં આવે છે. આ પ્રકારની બદલીઓ અનેક વખત કરવામાં આવે છે. સરકાર દ્વારા તમામ સરકારી હોસ્પિટલોમાં પુરતો સ્ટાફ અને સુવિધાઓ હોવાના બણગા ફૂંકવામાં આવતા હોય છે. પરંતુ હકીકત એ છેકે, જીએમઇઆરએસ કોલેજોમાં પુરતા સ્ટાફનો અભાવ છે અને પરિણામે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગાંધીનગર સિવિલમાં ફરજ બજાવતા 8 પ્રાધ્યાપક અન 6 મદદનીશ પ્રાધ્યાપકની વડનગર બદલી કરવામાં આવી છે. તે ઉપરાંત હિંમતનગર સહિતની કોલેજમાંથી કુલ 33 તબીબોની વડનગરમાં બદલી કરવામાં આવી છે. આશરે બે મહિના પહેલા જ ગાંધીનગર સિવિલમાંથી પંચમહાલ, પોરબંદર તબીબોની બદલી કરવામાં આવી હતી. તે તબીબોને ઘટ હજુ પુરાઇ નથી, તેવા સમયે વધુ 14 તબીબોની બદલી વડનગરમાં કરવામાં આવી છે. જેમાં ફીઝીયોલોજી, મેડીસીન, ગાયનેક, પીડીયાટ્રીક સહિતના વિભાગના તબીબોની બદલી કરવામાં આવી છે. રાજ્યની મેડિકલ કોલેજમાં ઇન્સ્પેક્શન આવતા તબીબોની બદલી કરી દેવામાં આવતી હોય છે.