મોરબી: મચ્છુ ડેમ-2ના 38 દરવાજામાંથી 5 દરવાજા ક્ષતિગ્રસ્ત હોવાથી ચોમાસા પહેલા તેને બદલવા જરૂરી હોવાથી ભર ઉનાળે ડેમ ખાલી કરવાનો નિર્ણય લેવાયો છે. હાલ ડેમમાંથી 1400 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. મચ્છુ કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમ ખાલી થયા બાદ દોઢ મહિનામાં આ ડેમના પાંચ દરવાજા બદલી દેવામાં આવશે. પાંચેય દરવાજા બદલવાનો કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો છે.
મચ્છુ બે ડેમ મોરબી અને માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન છે. અને આ ડેમમાંથી બંને તાલુકાના લોકોને પીવાનું તેમજ ખેતી માટે સિંચાઈનું પાણી મળી રહે છે. મચ્છુ-2 ડેમના 38 પૈકીના પાંચ દરવાજા જોખમી બન્યા હોવાથી તેને બદલાવા માટેની કામગીરી હાથ ઉપર લેવામાં આવી છે અને આગામી દોઢ મહિનામાં એટલે કે ચોમાસા પહેલા ડેમના પાંચ દરવાજા બદલવા માટેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. ડેમના દરવાજા બદલવા માટે ડેમ ખાલી કરવો જરૂરી હોવાથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.
સિંચાઈ વિભાગના કહેવા મુજબ મચ્છુ-2 ડેમમાં 3104 એમસીએફટી પાણીનો જળ જથ્થો સંગ્રહીત થાય છે. જોકે હાલમાં આ ડેમની અંદર 989 એમસીએફટી પાણીનો જળ જથ્થો ભરેલો છે. તેમાંથી ડેમના દરવાજાના રીપેરીંગ કામ માટે થઈને 730 કરતાં વધુ પાણીનો જથ્થો મચ્છુ નદીમાં છોડી દેવામાં આવી રહ્યો છે. આ પાણીનો જળ જથ્થો છોડવા પહેલા મોરબી અને માળિયા તાલુકાના 34 ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. સલામતીના ભાગરૂપે પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ મચ્છુ નદીના પટ વિસ્તારમાં લોકોની અવરજવર ન થાય તેના માટેની પૂરી તકેદારી રાખી રહ્યા છે. (file photo)