Site icon Revoi.in

ઉનાળું વેકેશનમાં ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા એસટી નિગમ દ્વારા 1400 બસ એક્સ્ટ્રા દોડાવાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતની મોટાભાગની શાળા-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થઈ જતાં ઉત્તરવહીઓનું મૂલ્યાંકનનું કાર્ય ચાલી રહ્યું છે. તા.4થી મેથી ઉનાળાના વેકેશનનો વિધિવત પ્રારંભ થશે. ઉનાળાના વેકેશનમાં દરેક પરિવાર પોતાના બાળકો સાથે બહારગામ પર્યટક સ્થળોએ ફરવા માટે જતો હોય છે. ત્યારે ઉનાળું વેકેશનના ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા 1400 જેટલી એક્સ્ટ્રા બસો દોડવવાનો નિર્ણય લાવામાં આવ્યો છે.

ગુજરાત એસટી નિગમ દ્વારા ઉનાળાનું વેકેશનમાં મુસાફરોને આવવા જવા માટે સરળતા માટે 1400 એક્સ્ટ્રા બસનું સંચાલન કરવાનો નિર્ણય લીધો છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યત્વે સુરતથી સૌરાષ્ટ્ર તરફ, સૌરાષ્ટ્રથી ઉત્તર તરફ, દક્ષિણથી ઉત્તર અને સૌરાષ્ટ્ર તરફ બસ સર્વિસ સંચાલિત કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતર-રાજ્ય બસ સર્વિસનું પણ આયોજન છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના પવિત્ર યાત્રાધામ અંબાજી, સોમનાથ, દ્વારકા, ડાકોર, પાવાગઢ, ગિરનાર જેવા રાજ્યના ધાર્મિક સ્થળો એ એક્સ્ટ્રા બસ મુકાશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સાસણ ગીર, સાપુતારા, દીવ અને કચ્છ, આ ઉપરાંત રાજસ્થાનમાં માઉન્ટ આબુ, સુન્ધા માતા અને મહારાષ્ટ્રમાં શિરડી, નાસિક, ધુલિયા જેવા આંતર રાજ્ય સ્થળોએ પણ પૂરતી બસ સુવિધા ઉપલબ્ધ કરાશે. એસટી નિગમે એક્સ્ટ્રા બસો દોડાવવાનું શેડ્યુલ નક્કી કરી દીધુ છે. દરમિયાન એસટી નિગમના સૂત્રોએ કહ્યું હતું કે, ઉનાળાના વેકેશન દરમિયાન એક્સ્ટ્રા બસો દોડાવવાની તમામ ડિવિઝનોને સુચના આપી દેવામાં આવી છે. ખાસ કરીને પર્યટક સ્થળોએ વધુ બસ દોડાવવાનું આયોજન કરાશે. જે રૂટ્સ પર બસ દોડાવાશે તેની અગાઉથી જ જાહેરાત કરવામાં આવશે. અને ત્યારબાદ બુકિંગનો પ્રારંભ કરવામાં આવશે.