ગાંધીનગર: પાટનગર ગાંધીનગરમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે. પરંતુ સરકારી કર્મચારીઓને રહેવા માટે પુરતા ક્વાટર્સ નહોવાથી મુશ્કેલી પડી રહી છે. ઘણા કર્મચારીઓને અમદાવાદથી અપડાઉન કરવાની ફરજ પડી રહી છે. સરકારી આવાસમાં લાંબું વેઇટિંગ લિસ્ટ હોવાના કારણે કર્મચારીઓને પોતાની જાતે જ રહેવા માટેના મકાનની વ્યવસ્થા કરવી પડે છે. જોકે તેને નિવારવા માટે રાજ્યના પાટનગરમાં સરકારી અધિકારી, કર્મચારીઓની રહેણાંક સુવિધા માટે હાલમાં પાટનગર યોજના વિભાગ દ્વારા નવા 2016 ફ્લેટ ટાઇપ આવાસનુ બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને 560 જેટલા આવાસનું કામ પુર્ણ કરી દેવામાં આવ્યુ છે. પરંતુ બે હજાર આવાસ બન્યા પછી પણ લાભાર્થી સરકારી કર્મચારીઓની પ્રતિક્ષા યાદી અડધી પણ થઇ શકે તેમ નહીં હોવાથી વધુ 1400 નવા આવાસના બાંધકામ માટે સરકાર સમક્ષ દરખાસ્ત મોકલી આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર ગાંધીનગરમાં સરકારી નોકરી મળ્યા પછી બહારથી આવતા કે નવી ભરતી થનારા કર્મચારીઓ માટે આ સંજોગોમાં સરકારી આવાસની સુવિધા મેળવવાનું કપરું બની રહ્યું છે. પાટનગર યોજના વર્તુળના ઇજનેરી સુત્રોના જણાવવા પ્રમાણે હાલમાં શહેરમાં સનદી અધિકારીઓને ફાળવવામાં આવતા ક અને ખ પ્રકારના બંગલા અને ક્લાસ ૧ અધિકારીઓને ફાળવવામાં આવતા ગ 1 તથા ઘ 1 પ્રકાર સુધીના મકાનોમાં વેઇટિંગ લિસ્ટ સામાન્ય કહી શકાય તેવું છે. પરંતુ ક્લાસ ૧થી નીચેના અધિકારીઓ અને કર્મચારીઓને ફાળવવામાં આવતા ‘ ઘ પ્રકારથી લઇને “ જ’ પ્રકાર સુધીના નાના આવાસોમાં વેઇટિંગ લિસ્ટ ખુબ મોટું બની ચૂક્યું છે. કુલ મળીને 4,734 જેટલા આવાસોની ઘટ છે અને તેટલા અધિકારી, કર્મચારીઓનું વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે.
બીજી તરફ સરકારી આવાસ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા હવે ઓનલાઇન કરી દેવામાં આવી છે. શહેરના સેક્ટર 6 માં હાલમાં છ પ્રકારના 280, ચ 1 પ્રકારના 616 અને જ પ્રકારના 560 મળીને 1456 ફ્લેટ ટાઇપ આવાસ તથા સેક્ટર 29માં છ પ્રકારના 560 એમ મળીને 2016 ફ્લેટ ટાઇપ આવાસનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ મકાનોની આ સંખ્યા છેલ્લા વેઇટિંગ લિસ્ટને અડધી પણ કરી શકે તેમ નથી. ત્યારે પાટનગર યોજના વિભાગ દ્વારા વધુ મકાનો તૈયાર કરવાનું જરૃરી હોવાનું જણાવતી દરખાસ્ત સરકારને મોકલવામાં આવી છે. તેમાં ચ પ્રકારના 560 આવાસ, છ પ્રકારના 280 આવાસ અને જ પ્રકારના 560 આવાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. (file photo)