અમદાવાદઃ સુરેન્દ્રનગરના સાયલા નજીક તાજેતરમાં થયેલી 1400 કિલો ચાંદીની લૂંટની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી નાખીને ચાર આરોપીઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં આરોપીઓ પાસેથી 100 કિલો જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે લૂંટના મુખ્ય સુત્રધાર સહિત અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. આ લૂંટના કેસમાં મધ્યપ્રદેશની કંજર ગેગના સભ્યોને ઝડપી લેવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં રાજકોટની વિવિધ પેઢીઓના ચાંદીના પાર્સલ લઈને કુરિયર કંપની અમદાવાદ આવી રહી હતી. દરમિયાન સાયલા નજીક 3 મોટરકારમાં આવેલા અજાણ્યા શખ્સોએ કુરિયર કંપનીના વાહનને આંચરીને કરોડની લૂંટ ચલાવી હતી.
પોલીસની તપાસમાં અજાણ્યા શખ્સોએ 1400 કિલો ચાંદીની લૂંટ ચલાવી હોવાનું ખૂલ્યું હતું. આ બનાવની જાણ થતા જ સ્થળ પર દોડી ગયેલી પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી હતી.
લૂંટની આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે 50 જેટલી ટીમો બનાવવામાં આવી હતી અને વિવિધ દિશામાં તપાસ શરૂ કરાઈ હતી. તેમજ ઘટના સ્થળ તથા આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફુજેટ પણ તપાસવામાં આવ્યાં હતા.
દરમિયાન પોલીસે બનાવ સ્થળ નજીક એક હોટલ પાસેથી લૂંટમાં વપરાયેલી એક મોટરકાર મલી આવી હતી. પોલીસે પ્રાથમિક તબક્કે આંતરરાજ્ય અને સ્થાનિક ગેંગે મળીને લૂંટ ચલાવી હોવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું અને પોલીસ તપાસમાં 7 લૂંટારૂઓ હિન્દી-ગુજરાતી બોલતા હોવાનો ખુલાસો થયો હતો.
પોલીસની તપાસમાં મધ્યપ્રદેશની કંજર ગેંગની સંડોવણી સામે આવી હતી. પોલીસે સમગ્ર પ્રકરણમાં ભારે જહેમત બાદ ચાર આરોપીઓને ઝડપી લીધા છે. તેમજ તેમની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પ્રકરણમાં હજુ સુધી મુખ્ય સૂત્રધાર પકડથી દૂર હોવાથી પોલીસે તેને તથા અન્ય લૂંટારુઓને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.