Site icon Revoi.in

ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ માટે રૂપિયા 250 કરોડના ખર્ચે બહુમાળી 1400 આવાસ બનાવાશે

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં નવા સચિવાલય, જુના સચિવાલય સહિત અનેક સરકારી કચેરીઓ આવેલી છે. ઉપરાંત બોર્ડ-નિગમની કચેરીઓ પણ આવેલી છે. સરકારી કર્મચારીઓને રહેવા માટે ક્વાટર્સ આપવામાં આવે છે. કર્મચારીઓની સંખ્યા વધી હોવાથી તેમજ અનેક જુના ક્વાટર્સ જર્જરિત બની ગયા હોવાથી કર્મચારીઓને રહેવા માટેનો પ્રશ્ન ઊભો થયો છે. એનું વેઈટિંગલિસ્ટ પણ ચાલી રહ્યું છે. ત્યારે સરકારે 250 કરોડના ખર્ચે બહુમાળી 1400 આવાસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓને ક્વાટર્સ સમયસર મળી રહે તે માટે માર્ગ મકાન વિભાગ દ્વારા સેક્ટરોમાં રૂપિયા 250 કરોડના ખર્ચે 1400 નવા બહુમાળી ક્વાટર્સ બનાવવામાં આવશે. નવા ક્વાર્ટર્સ ચ અને જ ટાઇપના બનાવવા માટે આગામી સમયમાં જગ્યા નક્કી કરવામાં આવશે. જોકે નવા ક્વાર્ટર્સ બનાવવાથી વેઇટીંગ લિસ્ટમાં ઘટાડો કરી શકાશે. રાજય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને ક્વાર્ટ્સ આપવામાં આવે છે. જોકે હાલમાં જુના સેક્ટરોમાં આવેલા સરકારી ક્વાર્ટર્સ પાચેક દાયકા જુના હોવાથી અમુક ક્વાર્ટર્સ જર્જરીત થઇ જવાથી તેને તોડવાની કામગીરી માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જોકે તેની સામે માર્ગ મકાન વિભાગ દ્વારા નગરના સેક્ટર-29, સેક્ટર-6, સેક્ટર-7માં બહુમાળી સરકારી ક્વાર્ટર્સ તૈયાર કરીને કર્મચારીઓને ફાળવી દેવામાં આવ્યા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં માર્ગ મકાન વિભાગ દ્વારા નવા બનાવવામાં આવી રહેલા ક્વાર્ટર્સ બહુમાળી પ્રકારના બનાવવામાં આવી રહ્યા છે. જોકે તેની સામે જુના થયેલા ક્વાર્ટ્સની મરામત કરીને કર્મચારીઓને પુન: ફાળવવામાં આવી રહ્યા છે. જોકે મરામતની વચ્ચે જર્જરીત થયેલા મકાનોની સંખ્યા વધી રહી હોવાથી તેવા મકાનોમાંથી કર્મચારીઓને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. તેની સામે નવા મકાનો ઓછા બની રહ્યા હોવાથી ક્વાર્ટર્સ લેવા માટે વેઇટિંગ લીસ્ટ ઘટવાને બદલે વધી રહ્યું છે. ત્યારે માર્ગ મકાન વિભાગ દ્વારા રૂપિયા 250 કરોડના ખર્ચે નવા 1400 ક્વાર્ટ્સ બનાવાશે. જોકે નવા ક્વાર્ટર્સ માટે જગ્યા આગામી સમયમાં નક્કી કરવામાં આવશે. નવા ક્વાર્ટ્સ જ અને ચ ટાઇપના બનાવવામાં આવશે. તેમાં ચ ટાઇપના 448 અને જ ટાઇપના 952 મકાનો બનાવવામાં આવશે. નવા મકાનોની કામગીરી આગામી સમયમાં કયા સેક્ટરમાં બનાવવામાં આવશે તે નક્કી કરવામાં આવશે. ત્યારબાદ નવા મકાનોની કામગીરી માર્ગ મકાન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવા 1400 ચ અને જ પ્રકારના બહુમાળી મકાનો બનાવવામાં આવનાર છે. ત્યારે ચ ટાઇપના મકાનો ટુ બીએચકે પ્રકારના એટલે કે બે બેડરૂમ એક હોલ, કિચનવાળા બનાવવામાં આવશે. જ્યારે જ ટાઇપના નવા મકાનો 1.5 બીએચકે પ્રકારના એટલ કે એક બેડરૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ અને કિચનવાળા બનાવવામાં આવશે. નવા આવાસોમાં ભુકંપ પ્રતિરોધક આધારે સ્ટ્રક્ચરલ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. દરેક ટાવરમાં એક લીફ્ટની સુવિધા કરવામાં આવી છે. મેઇન ગેટ, સીક્યુરિટી કેબીન, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ, અન્ડર ગ્રાઉન્ડ સમ્પ અને પાણીનો બોર તેમજ બગીચો બનાવવામાં આવનાર છે. નવા મકાનો ઓછા બની રહ્યા હોવાથી વેઇટિંગ લિસ્ટ લાંબુ થઇ ગયું છે.