અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત કુલ 2135 આંગણવાડીઓ ચાલી રહી છે, જેમાં 1404 જેટલી આંગણવાડીઓ પાસે પોતાની માલીકીના મકાનો ન હોવાથી વર્ષોથી ભાડાના મકાનમાં આંગણવાડીઓ ચાલે છે. આંગણવાડી કેન્દ્ર ચલાવવા માટે લેવામાં આવતા ભાડાના મકાનના ભાડામાં વધારો કરવા અંગેની દરખાસ્ત એએમસીની મહિલા બાળ વિકાસ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે. એએમસીના પ્રોપર્ટી ટેક્સના ગ્રેડ પ્રમાણેના મકાન મુજબ આંગણવાડી કેન્દ્રના મકાનનું ભાડું ચૂકવવામાં આવશે. એટલે કે, 20થી લઈ 60 ચોરસ મીટર સુધીના મકાનમાં ગ્રેડ મુજબ અલગ-અલગ ભાડું નક્કી કરવામાં આવ્યું છે. હવેથી મકાનમાલિકના બેન્ક એકાઉન્ટમાં જ સીધું ભાડું જમા કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના મહિલા બાળ વિકાસ કમિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, એએમસી દ્વારા જે આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચલાવવામાં આવે છે, તેના ભાડામાં વધારો કરવા અંગેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. જાહેરાત પ્રમાણે હવે આંગણવાડીનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે જે મુજબ ઓછામાં ઓછું 2000 અને વધુમાં વધુ 15,000 ભાડુ ચૂકવવામાં આવશે. ભાડું સીધું મકાન માલિકના ખાતામાં જમા કરાશે. ભાડે રાખવાનું હોય તેમાં પ્રોપર્ટી ટેક્સ બિલ હોવું ફરજીયાત છે અને જ્યાં નહીં હોય ત્યાં ટેક્સ વિભાગને સંકલનમાં રાખી અને ભાડું ચૂકવવાનું રહેશે.
એએમસી દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચાલતી આંગણવાડીઓને રાજ્યના મહિલા અને બાળ વિકાસ દ્વારા 100 ટકા ગ્રાન્ટ આપવામાં આવે છે. જેમાંથી ભાડામાં ચાલતી આંગણવાડીઓને ભાડું ચૂકવવામાં આવે છે. અત્યાર સુધી ઓછામાં ઓછું 1000 અને વધુમાં વધુ 6500 સુધી ભાડું ચૂકવવામાં આવતું હતું. જેમાં કોઈપણ પ્રકારની પોલિસી નહોતી. ક્યાંક નાનું મકાન તો ક્યાંક મોટું મકાન હતું, તે મુજબ અલગ-અલગ ભાડા ચૂકવવામાં આવતા હતા. ભાડાના મકાનના ચૂકવણીમાં અનેક વિસંગતતા હોવાને લઈ હવેથી પ્રોપર્ટી ટેક્સના પરિબળ મુજબ ભાડાની ચૂકવણી કરવાનો નિર્ણય લેવાયો છે અને તેમાં બે ગણાથી વધુ ભાડા ચૂકવવામાં આવશે. મકાનનો ભાડા કરાર જમા કરાવવાનો રહેશે. (File photo)