અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ લગભગ વિદાય લીધા બાદ છેલ્લા કેટલાક દિવસથી કેસમાં ધીમીગતિએ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના નવા કેસ 100થી વધુ નોંધાયા છે. શુક્રવારે કોરોનાના 143 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 51 દર્દી સાજા થયા હતા. 33 દિવસ બાદ ગાંધીનગર શહેરમાં એક દર્દીનું કોરોનાને લીધે મોત થયું હતું. અગાઉ 7 મેના રોજ એક દર્દીનું મોત થયું હતું. શુક્રવારે અમદાવાદ શહેરમાં 83 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.06 ટકા થયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ફરીવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં કોરોનાના 143 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 83 કેસ, વડોદરા શહેરમાં 14, ગાંધીનગર શહેરમાં 10, સુરત શહેરમાં 9 અને રાજકોટ શહેરમાં 8 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વડોદરા જિલ્લામાં 4, જામનગર શહેર, અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં 3-3 કેસ નોંધાયા છે. તેમજ આણંદ, કચ્છ, નવસારી, સાબરકાંઠા, સુરત અને વલસાડ જિલ્લામાં 1-1 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં કોરોના કાળ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં 12 લાખ 25 હજાર 931ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે કોરોનાને લીધે કૂલ મૃત્યુઆંક 10 હજાર 945 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 14 હજાર 405 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 608 એક્ટિવ કેસ છે, શૂન્ય દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ દર્દીઓની હાલત સ્થિર છે.
રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું કે, રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. શુક્રવારે રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 774 નાગરિકોને રસીનો પ્રથમ અને 21156 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 144 ને રસીનો પ્રથમ અને 1979 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 30092 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 887 ને રસીનો પ્રથમ અને 4687 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે શુક્રવારે કુલ 59,713 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 11,04,68,418 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.