અમદાવાદઃ શહેરના એરપોર્ટથી રાતના સમયે પોતાના ઘેર જઈ રહેલા દંપતીને રોકીને પોલીસે તોડ કર્યો હતો. તે સમયે આ બનાવને ગંભીર ગણીને ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો સંજ્ઞાન લીધુ હતુ, આ કેસની ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને અનિરૂદ્ધ માયીની બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરાતા સરકારે ખાતરી આપી હતી કે, પોલીસ સામેની ફરિયાદ માટે ફોન નંબર 14449 એક્ટિવ કરી દેવામાં આવ્યો છે. પોલીસ સામે ફરિયાદ કરતાં જ ડાયરેક્ટ DG કંટ્રોલરૂમમાં ફોન જશે. સરકારે આ નંબરની જાહેરાત કોર્ટ, પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ, મોટા ચાર રસ્તાઓ ઉપર વગેરે જગ્યાએ કરી છે.
હાઈકોર્ટમાં સરકાર દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે, ગુજરાતમાં કોઈપણ નાગરિક પોલીસ સામેની ફરિયાદ 14449 નંબર પર ડાયલ કરીને કરી શકશે. નાગરિકોએ કરેલી ફરિયાદ સીધી ગુજરાત પોલીસ વડાના કંન્ટ્રોલરૂમમાં નોંધાશે. જ્યાંથી જે-તે શહેરના પોલીસ કમિશનર અથવા જે-તે જિલ્લાના SPને ઇ-મેઇલ દ્વારા ફરિયાદ મોકલવામાં આવશે. અને યોગ્ય કાર્યવાહી કરાશે. અમદાવાદમાં એરપોર્ટથી ઘરે જઈ રહેલા દંપત્તીને પરેશાન કરીને તોડ કરવાના કેસમાં આરોપીઓ સામે ચાર્જશીટ કરી દેવામાં આવી છે. અને શિસ્તભંગના પગલાં ભરવામાં આવ્યા છે.
સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ એવી રજુઆત કરી હતી કે, પોલીસ સામેની ફરિયાદો માટે 14449 નંબરની નાગરિકોને જાણ થાય તે માટે જુદા જુદા માઘ્યમો થકી જાહેરાત કરાશે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને આ નંબર આપવામાં આવ્યો છે. આ હેલ્પલાઈન 24×7 કાર્યરત રહેશે. રાજ્યમાં ભ્રષ્ટાચાર નિવારણ માટે એન્ટી કરપ્શન બ્યૂરોની હેલ્પલાઈન 1064 અને મહિલાઓની મદદ માટે વુમન હેલ્પલાઈન 1091 પણ પ્રચલિત છે. એવી જ રીતે પોલીસ સામે ફરિયાદ નોંધાવવા આ હેલ્પલાઈન નંબર પણ પ્રચલિત થશે. કોર્ટ મિત્ર દ્વારા આ ઉપરાંત કેટલાક મહત્ત્વના ઈમર્જન્સી નેશનલ હેલ્પલાઈન નંબરની પણ જાહેરાત કરવા માગ કરવામાં આવી હતી. એ મુદ્દે રાજ્યએ હકારાત્મક પ્રતિક્રિયા દર્શાવી હતી.