હિમાચલ વિધાનસભામાંથી જયરામ ઠાકુર સહીત ભાજપના 15 MLA સસ્પેન્ડ, ખુરશીનો ખેલ બન્યો તેજ
શિમલા: હિમાચલ પ્રદેશમાં રાજકીય હલચલ સતત વધી રહી છે. એક તરફ કોંગ્રેસ સરકારનું સંકટ વધી રહ્યું છે તો બીજચી તરફ તેને બચાવા માટે હિમાચલ પ્રદેશ વિધાનસભામાં નવું જ ગણિત ચાલી રહ્યું છે. વિધાનસભા સ્પીકરે પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુર સહીત ભાજપના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે. આ એક્શન બાદ ગૃહમાં કોઈપણ વોટિંગ માટે 10 ધારાસભ્યો જ હાજર હશે. આવું થશે તો બજેટ કોઈપણ અડચણ વગર પાસ થઈ જશે અને સત્રને અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરી શકાશે. કોંગ્રેસ સૂત્રો મુજબ, હિમાચલ પ્રદેશની સરકારની યોજના છે કે ગૃહ સ્થગિત થવાથી નારાજ ધારાસભ્યોને મનાવવામાં થોડો સમય મળી જશે.
ભાજપના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોમાં જયરામ ઠાકુર, વિપિનસિંહ પરમાર, રણધીર શર્મા, લોકેન્દ્ર કુમાર, વિનોદ કુમાર, હંસરાજ, જનકરાજ, બલબીર વર્મા, ત્રિલોક જમ્વાલ, સુરેન્દ્ર શોરી, દીપ રાજ, પૂરન ઠાકુર, ઈંદરસિંહ ગાંધી અને દિલીપ ઠાકુર સામેલ છે. વિધાનસભા સ્પીકરનું કહેવું છે કે આ લોકો પર ગૃહમાં હંગામો કરવો અને સૂત્રોચ્ચાર કરવાના આરોપમાં કાર્યવાહી કરવામાં આવી છે. તો ભાજપનું કહેવું છે કે આ અન્યાયપૂર્ણ કારય્વાહીછે અને સ્પીકરે કોંગ્રેસની સરકારને બચાવવા માટે આ પ્રકારની કાર્યવાહી કરી છે.
આજે સવારે જ જયરામ ઠાકુરના નેતૃત્વમાં ભાજપના નેતાઓએ રાજ્યપાલ શિવપ્રતાપ શુક્લા સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં તેમણે કોંગ્રેસ સરકારના લઘુમતીમાં હોવાનો દાવો કર્યો હતો. માનવામાં આવે છે કે ગૃહમાં ફ્લોર ટેસ્ટ થવા અથવા તો પછી બજેટ પારીત કરવા માટે વોટિંગની માગણી થવા પર કોંગ્રેસ સરકારના લઘુમતીમાં હોવાનો ખતરો હતો. આવી સ્થિતિથી બચવા માટે સ્પીકરે ભાજપના 15 ધારાસભ્યો જ સસ્પેન્ડ કર્યા છે. હવે જો વોટિંગ થાય તો ભાજપના ગૃહમાં હાજર રહી શકનારા ધારાસભ્યો માત્ર 10 રહેશે. હિમાચલ પ્રદેશ વિધાનસભામાં ભાજપને કુલ 25 ધારાસભ્યો છે.