- ચોમાસાની સીઝનમાં પ્રથમવાર ડેમના 15 દરવાજા 1.65 મીટર ખોલાયા,
- મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને લીધે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાયું,
- નર્મદા જિલ્લાની નદીઓ ગાંડીતૂર બની
અમદાવાદઃ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને કારણે ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. અને ચોમાસાની સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 15 દરવાજા 1.65 મીટર ખોલવામાં આવ્યા છે. જેને કારણે 2.20 લાખ ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 135.30 છે. જેની મહત્તમ સપાટી 138.68 છે. જેથી સુરક્ષાને પગલે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નદી તળ વિદ્યુત મથક (R.B.P.H)ના 6 મશીનો અને સરદાર સરોવર બંધના દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ 2 લાખ 20 હજાર (45,000 + 1,75,000) ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારમાં કોઈ દુર્ઘટના કે જાનહાનિ ના થાય તે માટે જરૂરી સુરક્ષા પગલાં લેવા અને નાગરિકોને સચેત રહેવા જણાવાયું છે. નદીકાંઠા વિસ્તારના તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં નાંદોદ તાલુકાના સિસોદરા, ભદામ, માંગરોલ, ગુવાર, રામપુરા, રાજપીપળા, ઓરી, નવાપુરા, ધમણાચા, ધાનપોર, ભચરવાડા, હજરપુરા, શહેરાવ, વરાછા, પોઈચા, રૂંઢ ગામો અને ગરૂડેશ્વર તાલુકાના સાંજરોલી, અંકતેશ્વર, સુરજવડ, ગોરા, ગરૂડેશ્વર, ગંભીરપુરા, વાંસલા તેમજ તિલકવાડા તાલુકાના વાસણ, તિલકવાડા, વડીયા, વિરપુર, રેંગણ ગામોના નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદથી નર્મદા જિલ્લાનાં તમામ તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તિલકવાડાને દેડીયાપાડા, સગબારા તાલુકાના ઘણા નદીમાં પાણીનાં નવા નીર આવ્યા છે અને નદીઓ ગાંડી તુર બની છે. નર્મદાના રામપુરી અને પીછીપુરા વચ્ચે અશ્વિન નદી ઉપર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. વર્ષાઋતુની સીઝનમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પીછીપુરા અને રામપુરી વચ્ચે અશ્વિન નદી ઉપર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. જેના કારણે સામે કાંઠાના ગામો સંપર્ક વિહોણા થયા છે. જેથી વહેલી તકે ઉંચો અને લાંબો બ્રીજ બનાવવામાં આવે તેવી કામ લોકો દ્વારા માગ ઉઠવા પામી છે.