અમદાવાદઃ શહેરના નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા AMRUT પ્રોજેક્ટ અંતર્ગત વિકાસના કામ પુરા કરવામાં આવ્યા છે. શહેરના નવા વિકસતા વિસ્તારોમાં પાણી, ગટર સહિતની પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે અમૃત 2.૦ યોજના અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની જંગી નાણાંકીય સહાયથી 360 કરોડનાં પાણી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. મ્યુનિ.હદમાં નવા નવા વિસ્તારોનાં સમાવેશ સાથે ખાસ કરીને પીવાનાં પાણી પહોંચાડવાની જવાબદારી વધી ગઇ છે. નવા વિસ્તારોમાં જે રીતે વિકાસ થઇ રહ્યો છે તેના કારણે પાણીનાં જૂના હયાત સ્ત્રોતની જગ્યાએ નવી પાણીની ટાંકીઓ, પાણીની લાઇનો વગેરે પાછળ જંગી ખર્ચ પણ વધ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ વિસ્તારમાં લોકોને પુરતું પાણી મળી રહે તેના માટે રૂ. 194 કરોડના ખર્ચે જાસપુર વોટર વર્ક્સ ખાતે 200 MLDના પ્લાન્ટ અને મેઈન ટ્રન્ક લાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે. રૂ. 120 કરોડના ખર્ચે કોતરપુર વોટર વર્ક્સથી સાબરમતી નદી પર બ્રિજ બનાવીને ભાટ ગામ થઈને મોટેરા સુધી ટ્રંક લાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે.
આ ઉપરાંત AMC દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં નાગરિકોને પૂરતા પ્રેશરથી પીવાનું પાણી મળે તે હેતુસર રૂ. 344 કરોડના ખર્ચે નવા 15 વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવામાં આવશે. જે પૈકી પૂર્વ ઝોન અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 5- 5, દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં 2- 2 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1 વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવાશે. જ્યારે રૂ. 162 કરોડના ખર્ચે શહેરના ઝોનમાં 19 વોટર ડીસ્ટ્રીબ્યુશન શર્ય ઓગમેન્ટેશનના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે પૈકી પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 7, દક્ષિણ ઝોનમાં 5, મધ્ય અને ઉત્તર ઝોનમાં 2 – 2 જ્યારે પૂર્વ, દક્ષિણ- પશ્ચિમ અને ઉત્તર- પશ્ચિમ ઝોનમાં 1-1 વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનનો સમાવેશ થાય છે.
અમદાવાદના નાગરિકોને પીવાના પાણીની સુવિધા માટે વર્ષ 2009થી અત્યાર સુધીમાં અંદાજે રૂ 2376 કરોડના કામ પૂરા કરવામાં આવ્યા છે. સ્વર્ણિમ યોજનાના બજેટમાંથી રૂ. 1411 કરોડ, કેપિટલ બજેટમાંથી રૂ.614 કરોડ અને અમૃત બજેટ હેઠળ રૂ. 340 કરોડ સહિત કુલ રૂ. 2376 કરોડના કામ પૂરા થયા છે.