Site icon Revoi.in

સુરતના કામરેજ નજીક લકઝરી બસનું ટાયર ફાટતા બસ કેનાલમાં ખાબકી, 15 પ્રવાસીઓ ઘવાયા

Social Share

સુરતઃ રાજ્યમાં રોડ અકસ્માતો વધતા જાય છે. જેમાં સુરતના કામરેજ નજીક કોસમાડા અને લાડવી ગામ વચ્ચે હાઈવે પર રાજસ્થાનથી આવી રહેલી લકઝરી બસનું ટાયર ફાટતા બસનાચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ હાઈવે સાઈડની કેનાલમાં ખાબકી હતી. જો કે કેનાલમાં વધુ પાણી ન હોવાથી મુસાફરોનો બચાવ થયો હતો. આ અકસ્માતના બનાવની જાણ થતાં આજુબાજુના ગામલોકો દોડી આવ્યા હતા.અને પોલીસ અને ફાયરબ્રિગેડને પણ દોડી આવીને મુસાફરોને બસમાંથી બહાર કાઢીને નાની-મોટી ઈજાઓ થયેલા 15 મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, રાજસ્થાનથી સુરત આવી રહેલી ખાનગી લકઝરી બસને કામરેજના લાડવી અને કોસમાડા ગામ વચ્ચે અકસ્માત નડ્યો હતો. બસનું ટાયર ફાટી જતાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ સીધી કેનાલમાં ખાબકી હતી. જેને લઇને બસમાં સવાર  મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા અને બૂમાબૂમ કરી હતી. બનાવને પગલે અન્ય વાહન ચાલકો તેમજ આજુબાજુ ગામના લોકો સ્થળ પર દોડી ગયા હતા. કામરેજ પોલીસ અને કામરેજ ફાયર વિભાગની ટીમની મદદથી મુસાફરોને હેમખેમ બહાર કાઢ્યા હતા. જો કે આ અકસ્માતમાં સદભાગ્યે જાનહાની ટળી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાનથી સુરત જઈ રહેલી ખાનગી બસ લાડવી અને કોસમાડા વચ્ચે કેનાલમાં ખાબકી હતી. જેમાં 15 જેટલા મુસાફરોને ઈજાઓ થઈ હતી. જેમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા સામાન્ય ઈજા થયેલા પ્રવાસીઓને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. કેટલાક પ્રવાસીઓને હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે અકસ્માતમાં કોઈ મોટી ઈજાઓ પ્રવાસીઓને થઈ ન હતી. કામરેજ પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ સ્ટાફે ત્વરિત કામગિરી હાથ ધરી હતી.