કોવિડમાં સેવા આપતા કોન્ટ્રક્ટ પરના આરોગ્ય કર્મીઓને રૂપિયા 15થી 21 હજાર પ્રોત્સાહક રકમ અપાશે
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના દર્દીઓની તબીબો અને પેરા મેડિકલ સ્ટાફ અવિરત સેવા કરી રહ્યો છે. તબીબોને તો સરકારે ભથ્થામાં વધારો કરી આપ્યો હતો પણ ખાસ કરીને કોન્ટ્રાક્ટ પર કામ કરતા પેરા મેડિકલ સ્ટાફ સહિત આરોગ્ય કર્મચારીઓને કોઈ લાભ અપાયો નહતો આથી કચવાટની લાગણી ઊભી થઈ હતી. આથી સરકારે રેસિડેન્ટ ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં 40 ટકાનો વધારો કરાયા બાદ સરકારી હોસ્પિટલમાં કામ કરતા કોન્ટ્રાક્ટર કર્મચારીઓને પણ વન ટાઇમ પ્રોત્સાહન પેટે 15થી 21 હજાર ચૂકવવાનો નિર્ણય સરકારે કર્યો છે.
રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં હજારોની સંખ્યામાં કેસો આવતા સરકારી હોસ્પિટલોમાં બેડ વધારવાની સાથે આરોગ્ય કર્મચારીઓની સંખ્યા વધારવાની જરૂરિયાત ઊભી થતાં સરકારી કોવિડ હોસ્પિલોમાં ત્રણ મહિના માટે મેડિકલ, પેરા મેડિકલ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓની વોલન્ટિયર્સ તરીકે 3 મહિના માટે માનદ સેવા લેવામાં આવી છે, પરંતુ તેમને ચૂકવાતું માનદ વેતન હાલમાં 11 માસના કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓ કરતાં વધારે હોવાથી તેમનામાં રોષ ફેલાયો હતો. સરકારે 11 મહિનાના કરાર આધારિત વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓને 21 એપ્રિલથી 31 જુલાઈ સુધીની ફરજ માટે વન ટાઇમ પ્રોત્સાહક રકમ આપવાનું નક્કી કર્યું છે, જે મુજબ સ્ટાફ નર્સને 21 હજાર રૂપિયા તેમ જ ફાર્માસિસ્ટ, લેબ ટેક્નિશિયન, એક્સ-રે ટેક્નિશિયન, ઇસીજી ટેક્નિશિયન અને વર્ગ-4ના કર્મચારીઓને એક વખત 15 હજાર રૂપિયાનું પ્રોત્સાહન અપાશે.