અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (GTU) દ્વારા દર વર્ષે અંતિમ સેમેસ્ટના વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ પ્રોગ્રામ અંતર્ગત વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મોકલવામાં આવતા હોય છે. આ વખતે 150 જેટલા વિદ્યાર્થીઓને મલેશિયા ઉચ્ચ અભ્યાસ માટે મોકલવામાં આવશે. કોરોનાને કારણે છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાનો કાર્યકર્મ મુલત્વી રાખવામાં આવ્યો હતો. હવે ત્રણ વર્ષ બાદ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સમર પ્રોગ્રામ અંતર્ગત વિદેશમાં અભ્યાસ કરવાની તક મળશે.
સૂત્રોના જણાવ્યા મુજબ જીટીયુ દ્વારા દર વર્ષે તેના વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટી-કોલેજનો અનુભવ થાય તે માટે એકથી બે મહિના બલ્ગેરિયા, કેનેડા અને જર્મની જેવા દેશમાં અભ્યાસ માટે લઈ જવામાં આવે છે. આ વર્ષે 150 જેટલા વિદ્યાર્થીઓને મલેશિયા અભ્યાસ માટે મોકલવામાં આવશે. વર્ષ 2011થી ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. જે અંતર્ગત અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને તેમની બ્રાંચના 2 વિષયો વિદેશમાં ભણવાના હોય છે. ત્યાં જ તેમની પરીક્ષા લેવાય છે અને પરિણામ તૈયાર કરાય છે. બાદમાં આ પરિણામ તેમના અંતિમ વર્ષના પરિણામમાં ઉમેરો કરવામાં આવતો હોય છે. મહત્વની વાત એ છે કે, આ વિદ્યાર્થીઓનો અભ્યાસનો ખર્ચ યુનિવર્સિટી ઉઠાવતી હોય છે. જ્યારે તેમને રહેવા અને નિભાવ ખર્ચ વિદ્યાર્થીઓ જાતે નિભાવે છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે સરેરાશ 1.50થી 1.70 કરોડની રકમ વિદેશી જતા વિદ્યાર્થીઓની શૈક્ષણિક ફી પાછળ ખર્ચ કરવામાં આવે છે. આ વર્ષે મહત્વની વાત એ છે કે, ચાલુ વર્ષે મલેશિયન યુનિવર્સિટી સાથે GTUએ કરાર કર્યા છે. જે સંદર્ભે રોબોટિક સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સર્ટિફિકેટ કોર્સ કરવાની તક વિદ્યાર્થીઓને મળશે. સમર પ્રોગ્રામ અને મલેશિયામાં અભ્યાસ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આવતા સપ્તાહમાં જાહેરાત કરવામાં આવશે.
આ અંગે જીટીયુના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે વચ્ચેના સમયમાં વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે નહોતા જઈ શક્યા. પરંતુ હવે સ્થિતિ સામાન્ય થતા વિદ્યાર્થીઓને ફરીથી વિદેશ અભ્યાસ માટે લઈ જવામાં આવશે. આ વર્ષે 150 જેટલા વિદ્યાર્થીઓ મલેશિયા અભ્યાસ માટે જશે.